મોરબી શહેરમાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા હલ કરવા માટે મુખ્ય માર્ગો પર ટુ-વ્હીલર માટે એકી-બેકી પાર્કિંગનો નિયમ લાગુ કરાયો છે. એકી તારીખે ડાબી બાજુ અને બેકી તારીખે જમણી બાજુ પાર્કિંગ કરવાનો કાયમી અમલ કરવા જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી આદેશ જાહેર કરવામાં આવ્યો છે.
મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ આર.જે. માકડિયાએ ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને સુધારવા કાયમી જાહેરનામું બહાર પાડ્યું છે. શહેરની વધતી વસ્તી, ઔદ્યોગિક વિકાસ અને સાંકડા માર્ગોને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
જાહેરનામા મુજબ, સરદાર રોડ (જૂના બસ સ્ટેન્ડથી નહેરૂ ગેટ), શક્તિ ચોકથી ગાંધીચોક, ગાંધીચોકથી શનાળા રોડ, રવાપર રોડ, નવાડેલા રોડ, સી.પી.આઈ. કચેરીથી સુપર ટોકિઝ અને નહેરૂ ગેટથી ગ્રીન ચોક સહિતના મુખ્ય માર્ગો પર ટુ-વ્હીલર વાહનો માટે એકી-બેકી પાર્કિંગનો નિયમ અમલમાં રહેશે. જેમાં મહિનાની એકી તારીખે વાહનો રોડની ડાબી બાજુ અને બેકી તારીખે જમણી બાજુ પાર્ક કરવા ફરજિયાત રહેશે. નિયમના ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.





