મોરબી શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યાને કાબૂમાં લેવા પોલીસ દ્વારા બે વધારાના ટોઇંગ ક્રેન શરૂ કરવામાં આવ્યા છે. હવે “નો-પાર્કિંગ” સ્થળે ઉભા કરાયેલા ટુ વ્હીલર અને ફોર વ્હિલર વાહનો સામે તાત્કાલિક કાર્યવાહી થશે સાથે સાથે જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પ્રજાજોગ સંદેશ પણ આપવામાં આવ્યો છે.
મોરબી શહેરમાં વધતી વસ્તી, ઔદ્યોગિક વિકાસ અને સાંકડા માર્ગોને કારણે ટ્રાફિક સમસ્યા ગંભીર બનતા પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલના નેતૃત્વ હેઠળ તા.૦૨ મે થી શહેરમાં ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનો માટે બે નવા ટોઇંગ ક્રેન શરૂ કરવામાં આવ્યા છે. હવે શહેરમાં “નો-પાર્કિંગ” વિસ્તારમાં પાર્ક કરાયેલા વાહનોને ટોઇંગ કરી કાયદેસરની કાર્યવાહી સાથે દંડ વસુલવામાં આવશે. આ માટે ટોઇંગ વાહનો સતત પેટ્રોલિંગ કરશે જેથી ટ્રાફિક વ્યવસ્થા સુધરે અને જાહેરનામાનો કડક અમલ થાય.
પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા, જાહેરનામાનું પાલન કરવા, વાહનો યોગ્ય જગ્યાએ પાર્ક કરવા તથા કાળા કાચ (ડાર્ક ફિલ્મ)નો ઉપયોગ ન કરવા અપીલ કરવામાં આવી છે.





