મોરબી શહેરના નગર દરવાજા નજીક બાઇક ચાલકે પોતાનું વાહન રોંગ સાઈડમાં ચલાવી આવી રાહદારીના બ્લેઝરમાં બાઈકનું હેન્ડલ ફસાયું હતું. જે બાદ બંને વચ્ચે મારામારી થઈ હોય તે દરમિયાન બાઇક ચાલક દ્વારા જાતિ અંગે અપમાનજનક શબ્દો બોલી ઈજા પહોંચાડી હોવાના આક્ષેપ સાથે આરોપી વિરુદ્ધ એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપી વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
મોરબી શહેરમાં નગર દરવાજા પાસે મીનાક્ષી મોબાઇલ નજીક બનેલી ઘટનામાં ફરિયાદી દેવજીભાઈ બીજલભાઈ રાઠોડ ઉવ.૩૯ રહે. પીપળી ગામ શિવપાર્ક સોસાયટી-૨ વાળાએ એ ડિવિઝન પોલીસ મથકમાં મોટર સાયકલ રજી.નં. આરજે-૦૪-એસવી-૧૦૧૫ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે , ગત તા.૧૪/૦૪ના રોજ ફરિયાદી બાબાસાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે રેલીમાં જતા હતા તે દરમિયાન નગર દરવાજા નજીક મીનાક્ષી મોબાઇલ પાસે ઉપરોક્ત બાઈક ચાલકે પોતાનું વાહન રોંગ સાઈડમાં ચલાવી આવતા તેના બાઈકનું હેન્ડલ ફરિયાદીના બ્લેઝરમાં ફસાઈ ગયું હતું. આ બાબતે ટકોર કરતા બાઇક ચાલક ઉશ્કેરાઈ જઈ ફરિયાદીને જાતિ વિષે અપમાનજનક શબ્દો કહી ગાળો આપી અને ધક્કો મારતા તેઓ નીચે પડી ગયા હતા. ઘટનામાં ફરિયાદીના ડાબા હાથની આંગળીમાં ફ્રેક્ચર જેવી ઈજા પહોંચી હતી. હાલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ભારતીય ન્યાય સંહિતા તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.





