ખોટી નંબર પ્લેટ વાળી કારના અકસ્માત બાદ પોલીસ તપાસમાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ.
હળવદ નજીક થયેલા અકસ્માતની તપાસ દરમિયાન ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેમાં મોરબીના એક શખ્સે પોતાના ફાયદા માટે એક કારની નંબર પ્લેટ બનાવી બીજી કારમાં લગાવી તેનો ઉપયોગ કરતો હોવાનું ખુલ્યું છે. કારના હપ્તા બાકી હોવાથી આ રીત અપનાવાઈ હોવાનું સામે આવ્યું છે. અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થતાં પોલીસે વધુ તપાસ કરતા ખોટી નંબર પ્લેટનું કૌભાંડ સામે આવ્યું હતું. હાલ આ મામલે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, હળવદના માર્કેટિંગ યાર્ડ સામે થયેલા એક અકસ્માતની તપાસ દરમિયાન સંડોવાયેલ અર્ટીગા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. જેમાં મોરબીના લીલાપર ગામે રહેતા આરોપી બીપીનભાઈ મલાભાઈ રાઠોડે પોતાના કબ્જાની અર્ટીગા કાર રજી.નં. જીજે-૩૬-એસી-૮૫૦૮ માં અન્ય અર્ટીગા રજી.નં. જીજે-૦૩-પીજે-૭૧૦૫ની નંબર પ્લેટ લગાવી કાર ફેરવતો હતો. પોતાની કારના હપ્તા ભરવાના બાકી હોવાને કારણે તેણે આ કાવતરું રચી કારનો ઉપયોગ કરતો હતો.
આ ખોટી નંબર પ્લેટ ધરાવતી કાર સાથે હળવદ નજીક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયાનું પણ સામે આવ્યું છે. અકસ્માતની તપાસ દરમિયાન વાહનની ખરાઈ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. હાલ આરોપી વિરુદ્ધ બીએનએસ તથા મોટર વ્હિકલ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.





