સુસવાવ ગામ નજીક બ્રાહ્મણી નદી કાંઠે મળેલ મૃતદેહ અંગે હળવદ પોલીસની સરાહનીય કાર્યવાહી.
હળવદ તાલુકાના સુસવાવ ગામ નજીક એક વર્ષના બાળકનો મૃતદેહ મળવા બાબતે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. ત્યારે આ મામલે હળવદ પોલીસની તપાસ દરમિયાન બાળકને તેના જ પિતાએ ત્યજી દીધા બાદ મૃત્યુ નિપજ્યુ હોવાનું સામે આવ્યું છે. હાલ હળવદ પોલીસે આરોપી પિતાની ઓળખ કરી તેની વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હળવદ તાલુકાના સુસવાવ ગામના પાદરમાં બ્રાહ્મણી નદીના કાંઠે એક અજાણ્યા બાળકનો કોહવાયેલ હાલતમાં મૃતદેહ મળ્યો હતો. આ બનાવની જાણ થતાં હળવદ પોલીસે અ.મોતની નોંધ કરી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મળેલા પુરાવા અને સાક્ષીઓના નિવેદનના આધારે મૃત બાળકની ઓળખ નવશિક ભયલુ ઉર્ફે રાજુ ભામણીયા ઉંમર આશરે એક વર્ષ તરીકે થઈ હતી. તપાસમાં ખુલ્યું કે બાળકના પિતા ભયલુ ઉર્ફે રાજુ તેરસિંગ બામણિયાએ પોતાના બાળકને અરક્ષિત સ્થિતિમાં ત્યજી દીધો હતો. આરોપી પિતાએ બાળકને સુસવાવ ગામની સીમમાં નદીના પટ પાસે રેતીમાં બાવળની ઝાડી નીચે મૂકીને છોડી દીધો હતો, જેના કારણે બાળકનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે.
આ મામલે હળવદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.બી. મિશ્રાની ફરિયાદના આધારે આરોપી પિતા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૫ અને ૯૩ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરવા સહિતની આગળની કાર્યવાહી શરૂ કરી છે.





