મોરબીની નવયુગ વિદ્યાલયની વિદ્યાર્થીની સવસાણી સાક્ષીએ ધોરણ-10ના પરિણામમાં 99.99 PR અને 98.50% સાથે ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવી ઇતિહાસ રચ્યો છે. સાથે જ અન્ય વિદ્યાર્થીએ પણ ટોચના સ્થાન મેળવી શાળાને ગૌરવ અપાવ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, સાક્ષીએ કુલ 600 માંથી 591 ગુણ મેળવી મોરબી SSC બોર્ડના અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. સાથે જ સરડવા મનએ 588 ગુણ, 99.98 PR અને 98% સાથે ગુજરાત બોર્ડમાં દ્વિતીય સ્થાન મેળવ્યું છે. શાળાના પરિણામમાં A1 ગ્રેડ મેળવતા 35 અને A2 ગ્રેડ મેળવતા 46 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. 100 માંથી 100 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓમાં ગણિતમાં 16, વિજ્ઞાનમાં 9 અને સમાજ વિજ્ઞાનમાં 1 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે.
આમ, નવયુગ વિદ્યાલયનું કુલ પરિણામ 97.91% રહ્યું છે, જે જિલ્લાની સરેરાશ 89.13% અને કેન્દ્રના 88.71% કરતા નોંધપાત્ર રીતે વધુ છે. શાળાના આ શાનદાર પરિણામને લઈ વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્ટાફમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજીયા દ્વારા તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.





