મોરબી તાલુકા પોલીસે ફલામી ઢબે એક અર્ટીગા કારનો નીચી માંડલથી પીછો કરી ઊંચી માંડલ પાસે કારને રોકી લાખો રૂપિયાનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપ્યો છે. જો કે, કારચાલક ફરાર થઈ જતા તેની શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, પ્રોહીબીશન ગુનાઓને કાબૂમાં લેવા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસ સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેઓને બાતમી મળી હતી કે, હળવદ તરફથી એક સફેદ રંગની મારૂતિ સુઝુકી અર્ટીગા કારમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરાઈ મોરબી તરફ આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસ ટીમે નીચી માંડલ ગામ પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ કાર આવતા તેને રોકવાનો પ્રયાસ કરતા કારચાલક ત્યાંથી કાર ભગાડી ઊંચી માંડલ ખાતે ગાડી મૂકી ભાગી છૂટ્યો હતો. પોલીસે કારની તપાસ કરતા અંદરથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં રોયલ ચેલેન્જ વિસ્કીની 288 બોટલ, કિંગફિશર બિયરના 144 ટીન, અર્ટીગા કાર અને બે મોબાઇલ મળી કુલ રૂ. 7,65,273નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. હાલ પોલીસે અજાણ્યા કારચાલક સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ માટે તપાસ શરૂ કરી છે.





