Saturday, May 9, 2026
HomeGujaratટંકારામાં યુવાનો માટે વૈદિક સંસ્કાર શિબિરનું આયોજન : 11 મેથી શરૂ થશે...

ટંકારામાં યુવાનો માટે વૈદિક સંસ્કાર શિબિરનું આયોજન : 11 મેથી શરૂ થશે 7 દિવસીય પ્રશિક્ષણ કેમ્પ

ટંકારા ખાતે યુવા પેઢીને સંસ્કાર, શિસ્ત અને વૈદિક જીવનમૂલ્યો સાથે જોડવાના હેતુથી ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભા અને શ્રી બૃહદ સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશિક સભાના સંયુક્ત તત્વાધાનમાં આર્ય સમાજ ટંકારા દ્વારા 7 દિવસીય “પ્રાંતીય આર્યવીર પ્રશિક્ષણ ગ્રીષ્મ શિબિર” નું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિર તા. 11 મે 2026 થી 17 મે 2026 દરમિયાન યોજાશે, જેમાં 12 થી 21 વર્ષના યુવકોને આત્મરક્ષા, યોગ, વૈદિક સંસ્કાર અને વ્યક્તિત્વ વિકાસનું માર્ગદર્શન આપવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

વર્તમાન સમયમાં યુવા પેઢીમાં વધી રહેલી કુટેવો, વ્યસનો અને સંસ્કારહીનતા વચ્ચે યુવાઓને સારા માર્ગ પર દોરી જવાના હેતુથી આ વિશેષ વૈદિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજકો દ્વારા જણાવાયું છે કે, આજના સમયમાં માતા-પિતા અને સમાજ માટે સૌથી મોટી ચિંતા યુવાનોના ભવિષ્ય અને તેમના આચરણની બની છે. આવા સમયમાં વૈદિક શિક્ષણ અને સંસ્કારોથી યુવાનોને રાષ્ટ્ર, માતા-પિતા અને ધર્મ પ્રત્યેની જવાબદારી સમજાવવામાં આવશે. આ શિબિર મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ – ટંકારા ખાતે યોજાશે. શિબિર દરમિયાન કરાટે, આત્મરક્ષા, લાઠી, ભાલા, તલવાર તાલીમ, યોગ, પ્રાણાયામ, સૂર્યનમસ્કાર, હવન, ધ્યાન, વ્યક્તિત્વ વિકાસ, નૈતિક શિક્ષણ અને શિસ્ત જેવા વિષયોનું પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવશે. આયોજકોના જણાવ્યા મુજબ શિબિરાર્થીઓ માટે રહેવા અને જમવાની નિઃશુલ્ક વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. શિબિરનો પ્રારંભ સમારોહ તા. 11 મે, સોમવારના રોજ સવારે 10 કલાકે યોજાશે. કાર્યક્રમમાં ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભાના ઉપપ્રમુખ અને આર્યસમાજ પોરબંદરના પ્રમુખ શ્રી ધનજીભાઈ આર્ય અધ્યક્ષસ્થાને રહેશે. જ્યારે મોરબી-પડધરી વિસ્તારના ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ દેથરીયા મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. ઉપરાંત ટંકારા નગરપાલિકાના પ્રમુખ, શ્રી ધવલભાઈ બરછા અને શ્રી નટવરસિંહ પરમાર વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.

આ શિબિરમાં જોડાવા ઇચ્છુક શિબિરાર્થીઓ માટે રૂ.100 નોંધણી શુલ્ક નક્કી કરવામાં આવ્યું છે. મોબાઇલ ફોન, કિંમતી સામાન અને દાગીના લાવવાની મનાઈ રહેશે. શિબિરાર્થીઓએ ટ્રેક પેન્ટ-ટીશર્ટ, બૂટ-મોજા અને દૈનિક ઉપયોગની ચીજવસ્તુઓ સાથે લાવવાની રહેશે. આયોજકોએ ટંકારા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના વાલીઓને પોતાના બાળકોને આ શિબિરમાં મોકલી સારા સંસ્કાર અને જીવનમૂલ્યો તરફ દોરી જવા અપીલ કરી છે. શિબિર અંગે વધુ માહિતી માટે શ્રી દેવકુમારજી આર્ય (મો. 89808 08071) તથા શ્રી અશ્વિનભાઈ આંબલીયા (મો. 94282 33758) નો સંપર્ક કરવા જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!