માળીયામાંથી કતલના ઇરાદે અમદાવાદ તરફ લઈ જવાતા 35 ગૌવંશને ગૌરક્ષક ટીમ અને હળવદ પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં બચાવી લેવામાં આવ્યા હતા. ગૌવંશથી ભરેલી આઇસર ગાડીનો માળીયાથી પીછો કરીને હળવદ સરા ચોકડી નજીક રોકવામાં આવી હતી, જ્યાંથી બે આરોપીઓને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, આજે તા. 9 મે 2026 શનિવારના રોજ વહેલી સવારે કચ્છ તરફથી માળીયા થઈ અમદાવાદ તરફ એક આઇસર ગાડીમાં ગૌવંશને જીવતા હાલતમાં કતલખાને લઈ જવાઈ રહ્યા હોવાની બાતમી ગૌરક્ષક ટીમોને મળી હતી. જેના આધારે મોરબી-હળવદ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ હિન્દુ યુવા વાહિની, અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ દિલ્હી, કચ્છ ગૌરક્ષક તેમજ ધાંગધ્રા ગૌરક્ષક ટીમ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન GJ-27-TD-8780 નંબરની શંકાસ્પદ આઇસર ગાડી દેખાતા ગૌરક્ષકોએ તેનો માળીયાથી પીછો શરૂ કર્યો હતો. ગાડી ચાલકે વાહન પૂરઝડપે ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટનાની જાણ હળવદ પોલીસને કરવામાં આવતા પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને હળવદ સરા ચોકડી નજીક ગાડીને રોકી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ગાડીમાં અત્યંત ક્રૂરતાપૂર્વક ખીચોખીચ ભરેલા 35 જેટલા જીવતા ગૌવંશ મળી આવ્યા હતા. પોલીસે ગાડી કબજે લઈને બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને હળવદ પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ તેમની સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સ્થળ પર પોલીસ તાત્કાલિક પહોંચી જતા ગૌવંશને સુરક્ષિત રીતે બહાર કાઢી મહાજન ખાતે મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગૌરક્ષકોએ હળવદ પોલીસના અધિકારીઓ અને સ્ટાફની ઝડપી કામગીરી અને સહયોગની પ્રશંસા કરી હતી.





