મોરબીમાં ગત રાત્રે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. અગાઉ થયેલી પોલીસ ફરિયાદની અદાવતમાં બે જૂથો આમને-સામને આવી જતા માળિયા હાઈવે પર ઘાતકી અથડામણ સર્જાઈ હતી. ઘટનામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ થતાં વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. હુમલામાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, અગાઉ થયેલી ફરિયાદના મનદુઃખને લઈ એક જૂથના લોકો ત્રણ અલગ-અલગ ગાડીઓમાં ધસી આવ્યા હતા અને ફિલ્મી ઢબે હુમલો કર્યો હતો. શરૂઆતમાં કરાયેલા એક રાઉન્ડ ફાયરિંગ દરમિયાન ફરિયાદીના મિત્ર અલીભાઈના માથામાં છરાના ઘા વાગતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ હુમલાખોરો સ્કોર્પિયો કારમાં ફરાર થઈ ગયા હતા. જો કે હુમલાખોરોને રોકવા માટે ફરિયાદીના મિત્રએ થાર ગાડી લઈને સ્કોર્પિયોનો પીછો કર્યો હતો અને આરોપીઓની કારને ઠોકર મારી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ફરી એકવાર આરોપીઓ ઘટનાસ્થળે પરત ફર્યા હતા અને વધુ બે રાઉન્ડ ફાયરિંગ કરતાં અફરાતફરી મચી ગઈ હતી. આ હુમલામાં શાહરૂખ પઠાણ અને તેનો ભાઈ સલીમ પઠાણ ઇજાગ્રસ્ત થયા હતા. સમગ્ર બનાવ અંગે ઇજાગ્રસ્ત શાહરૂખ પઠાણે પાંચ ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં સાજિદ સાઉદીન જેડા, નૂરમામદ જેડા, સમીર જેડા, બચલો જેડા અને એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.






