મોરબી શહેરમાં વધુ એક હિંસક બનાવ સામે આવ્યો છે. પીપળીયા ચાર રસ્તા નજીક થયેલી મારામારીની ઘટનામાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજતાં ચકચાર મચી ગઈ છે. જ્યારે બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, મોરબીના પીપળીયા ચાર રસ્તા વિસ્તારમાં કોઈ કારણસર બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હતી. ઘટનામાં અબ્બાસ સોતા, સુલતાન અબ્બાસ સોતા અને હસન અબ્બાસ સોતા ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં અબ્બાસ સોતાનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવને પગલે વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે જોકે હાલ સુધી મારામારી પાછળનું ચોક્કસ કારણ તેમજ મારામારી કરનારા કોણ હતા તે અંગે કોઈ માહિતી સામે આવી નથી.






