મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં મોરબી-જેતપર રોડ ઉપર બ્લેકબેરી કારખાના સામે વાહન ચેકિંગ દરમિયાન મોરબી તાલુકા પોલીસે શંકાસ્પદ હાલતમાં એક ઇસમને સ્પ્લેન્ડર મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યો છે. તપાસ દરમિયાન ઇસમ મોટરસાયકલના કોઈ કાગળો કે માલિકી અંગે સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો, જેથી પોલીસે છળકપટ કે ચોરીથી મેળવાયેલ હોવાની શંકા આધારે મોટરસાયકલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જ આઈ.જી. તેમજ મોરબી જિલ્લા એસ.પી.ના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લામાં મિલ્કત સંબંધિત ગુનાઓ અટકાવવા અને અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ દ્વારા સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તે અંતર્ગત મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ મોરબી-જેતપર રોડ ઉપર બ્લેકબેરી કારખાના સામે વાહન ચેકિંગ કરી રહી હતી. દરમિયાન જેતપર તરફથી એક ઇસમ સ્પ્લેન્ડર મોટરસાયકલ લઈને આવતા પોલીસે તેને અટકાવી વાહનના દસ્તાવેજો માંગ્યા હતા. જોકે ઇસમ પાસે કોઈ કાગળો ન હતા અને મોટરસાયકલ અંગે પૂછપરછ કરતા તે ગભરાઈ ગયો હતો તેમજ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. પોલીસે વધુ તપાસ કરતા મોટરસાયકલ છળકપટ અથવા ચોરીથી મેળવાયેલ હોવાની શંકા આધારે હિરો હોન્ડા કંપનીની સ્પ્લેન્ડર મોટરસાયકલ, ચેસીસ નંબર MBLHA10BVFHL23768 અને એન્જિન નંબર HA10EWFHL52030 કિંમત અંદાજે ₹15 હજાર કબ્જે કરી હતી. પોલીસે રાજસ્થાનના જોધપુર જિલ્લાના જલેલી ફૌજદારાન ગામના રહેવાસી પવનભાઈ મનોહર બાબલ (ઉ.વ.20) નામના ઇસમની અટકાયત કરી આગળની તપાસ પોલીસ હેડ કોન્સ્ટેબલ એન.એમ. મકવાણા દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.






