Wednesday, May 13, 2026
HomeGujaratમોરબી : લૂંટના ગુનામાં ત્રણ મહિનાથી ફરાર આરોપી ઝડપાયો

મોરબી : લૂંટના ગુનામાં ત્રણ મહિનાથી ફરાર આરોપી ઝડપાયો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લૂંટના ગુનામાં છેલ્લા ત્રણ મહિનાથી નાસતા ફરતા આરોપીને મોરબી તાલુકા પોલીસની સર્વેલન્સ ટીમે ઝડપી પાડ્યો છે. આરોપીએ ફરીયાદીને એરગન જેવા હથિયારની અણીએ ડરાવી સોનાની ચેઇન, રોકડ રકમ અને મોબાઇલ મળી કુલ ₹1.60 લાખની લૂંટ ચલાવી હતી. અગાઉ આ ગુનામાં એક આરોપીની ધરપકડ થઈ હતી, જ્યારે હવે ઉત્તરપ્રદેશમાંથી બીજા આરોપીને ટ્રાન્સફર વોરંટના આધારે કબજામાં લેવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જ આઈ.જી., મોરબી જિલ્લા એસ.પી. અને ડી.વાય.એસ.પી.ના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસની સર્વેલન્સ ટીમ મિલ્કત સંબંધિત ગુનાઓને શોધી કાઢવા તેમજ નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે કામગીરી કરી રહી હતી. તે દરમિયાન મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં તા.19/02/2026ના રોજ નોંધાયેલા લૂંટના ગુનામાં તપાસ ચાલી રહી હતી. જેમાં ફરીયાદી પોતાની વાડી તરફ જઈ રહ્યા હતા ત્યારે બે અજાણ્યા શખ્સો મોટરસાયકલ પર આવી તેમને રોકી એરગન જેવા હથિયારની અણીએ ધમકાવી ગળામાં પહેરેલી અંદાજે દોઢ તોલાની સોનાની ચેઇન, ₹5 હજાર રોકડા અને ઓપો કંપનીનો મોબાઇલ મળી કુલ ₹1.60 લાખનો મુદ્દામાલ લૂંટી ફરાર થઈ ગયા હતા.

આ ગુનામાં અગાઉ એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો, જ્યારે મુખ્ય આરોપી સુખલ ઉર્ફે સુઘલબાબુ ઉર્ફે સુકુલ કુમાર કોરી છેલ્લા ત્રણ મહિનાથી ફરાર હતો. દરમિયાન ઉત્તરપ્રદેશના મૈનપુરી જિલ્લાના કિશની પોલીસ સ્ટેશનમાં અન્ય ગુનામાં આરોપી ઝડપાયો હોવાની માહિતી મળતા મોરબી તાલુકા પોલીસની ટીમે કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ મેળવી મૈનપુરી સબ જેલમાંથી આરોપીનો કબ્જો મેળવ્યો હતો. ત્યારબાદ તા. 12/05/2026ના રોજ આરોપીની સત્તાવાર ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આરોપી વિરુદ્ધ ઉત્તરપ્રદેશમાં લૂંટ, હત્યાના પ્રયાસ, આર્મ્સ એક્ટ અને ગેંગસ્ટર એક્ટ સહિતના 21 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ પો.સ.ઈ. સી.એસ. સોંદરવા ચલાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!