મોરબી તાલુકાના ટીબડી પાટીયા પાસે ઓસીસ કારખાના સામે બાલાજી હોટલ નજીક જાહેર રોડ પર સામસામે ફાયરિંગની ઘટનામાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અગાઉ થયેલી માથાકૂટનું મનદુખ રાખી બંને જૂથ વચ્ચે ઘાતકી હુમલો થતા મોરબી તાલુકા પોલીસે ગણતરીની કલાકોમાં ત્રણ આરોપીઓને સ્કોર્પિયો કાર સાથે ઝડપી પાડ્યા છે. જ્યારે અન્ય આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી માહિતી અનુસાર, ગત તા.11/05/2026 ના રોજ રાત્રિના સમયે ટીબડી પાટીયા પાસે બે જૂથ વચ્ચે ફિલ્મી ઢબે ફાયરિંગની ઘટના બની હતી. શાહરૂખ ફિરોજભાઈ પઠાણની ફરિયાદ મુજબ આરોપી સાજીદ જેડા સાથે 15-20 દિવસ અગાઉ થયેલી માથાકૂટનું મનદુખ રાખી આરોપીઓ સ્કોર્પિયો, સ્વિફ્ટ અને કીયા કારમાં આવી ધસી આવ્યા હતા. આરોપી સાજીદ જેડાએ એક રાઉન્ડ અને નુરમામદ જેડાએ બે રાઉન્ડ ફાયરિંગ કરતા શાહરૂખ પઠાણને ગળા અને પેટના ભાગે, અલીભાઈને માથામાં તેમજ સલીમ પઠાણને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ક્રિષ્ના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે બી.એન.એસ. તથા આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે ગણતરીની કલાકોમાં નુરમામદ સાઉદીન જેડા, આસીફ ઇકબાલભાઈ સંધી અને અસરફ ઉર્ફે બચલો સાઉદીન જેડાને માળીયાના ખીરઈ ગામેથી નંબર પ્લેટ વગરની કાળી સ્કોર્પિયો કાર સાથે ઝડપી પાડ્યા હતા. બીજી તરફ નુરમામદ જેડાએ પણ ક્રોસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં શાહરૂખ પઠાણ અને તેના સાથીઓએ પણ ફાયરિંગ અને કારથી ટક્કર મારી હત્યાની કોશિશ કરી હોવાનો આક્ષેપ કર્યો છે. બંને ફરિયાદોને આધારે મોરબી તાલુકા પોલીસે અલગ અલગ ગુનાઓ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






