મોરબી મહાનગરપાલિકા દ્વારા રવાપર-ઘુનડા રોડ પર પાણીની લાઈન શિફ્ટિંગ તેમજ ગૌશાળા હેડવર્કસ ખાતે રીનોવેશન કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી તા. ૧૪ અને ૧૫ મે દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે. મહાનગરપાલિકાએ નાગરિકોને પૂર્વ તૈયારી રાખવા અપીલ કરી છે.
મોરબી મહાનગરપાલિકા વોટર વર્ક્સ શાખા દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ, રવાપર-ઘુનડા રોડનું કામ પ્રગતિમાં હોવાથી વચ્ચે આવતી પાણીની લાઈન નડતરરૂપ બનતી હોઈ તેનું શિફ્ટિંગ કરવું જરૂરી બન્યું છે. આ કામગીરી તા. ૧૪/૦૫ થી તા. ૧૫/૦૫ સુધી હાથ ધરવામાં આવશે. આ કામગીરીના કારણે રવાપર વિસ્તારમાં બે દિવસ સુધી પાણી વિતરણ સંપૂર્ણપણે બંધ રહેશે.
ઉપરાંત મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા ગૌશાળા હેડવર્કસ ખાતે ૪૩ MLD હેડવર્કસના રીનોવેશનનું કામ પણ આ જ સમયગાળા દરમિયાન હાથ ધરાશે. જેના કારણે સુરજબાગ, દરબારગઢ, રણછોડનગર સહિત હેડવર્કસથી પાણી વિતરણ થતા વિસ્તારોમાં પણ બે દિવસ સુધી પાણી પુરવઠો બંધ રહેશે. મહાનગરપાલિકાએ જાહેર જનતાને જરૂરી પાણીનો સંગ્રહ કરી લેવા તેમજ આ અંગે નોંધ લેવા અપીલ કરી છે.






