Wednesday, May 13, 2026
HomeGujaratમોરબીમાં ગેરકાયદેસર રેતી ખનન પર રાજકોટ રેન્જનો મોટો દરોડો : ૧૦ ડમ્પર,...

મોરબીમાં ગેરકાયદેસર રેતી ખનન પર રાજકોટ રેન્જનો મોટો દરોડો : ૧૦ ડમ્પર, હિટાચી મશીન અને બોટ સહિત રૂ. ૨.૬૪ કરોડનો મુદ્દામાલ જપ્ત

મોરબી જિલ્લાના માળીયા મિયાણા વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનન અને પરિવહન સામે રાજકોટ રેન્જ પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટ રેન્જ ટીમે માળીયા-જામનગર હાઇવે પર સરવડ ગામ નજીકથી રેતી ભરેલા ૧૦ આઇવા ડમ્પર ઝડપી પાડ્યા હતા. સાથે જ હરીપર ગામે મચ્છુ નદીના કાંઠે ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનન પર દરોડો પાડી હિટાચી મશીન અને બે હુડકા બોટ કબ્જે લેવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યવાહી દરમિયાન કુલ રૂ. ૨.૬૪ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાય દ્વારા રાજકોટ રેન્જ હેઠળના જિલ્લાઓમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલ ના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.એન. મોરી, બી.સી. મીયાત્રા, સી.એમ. કાંટેલિયા સહિતની ટીમે હ્યુમન સોર્સ અને વર્કઆઉટના આધારે કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે સરવડ ગામ નજીકથી ગેરકાયદેસર રેતી ભરેલા કુલ ૧૦ ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા હતા. દરેક ડમ્પરમાં અલગ અલગ માત્રામાં રેતી ભરેલી મળી આવી હતી. કુલ મળીને આશરે ૪૫૬ ટન રેતી સાથે ડમ્પરો જપ્ત કરવામાં આવ્યા હતા. તમામ વાહનોની અંદાજિત કિંમત રૂ. ૨૫ લાખ પ્રમાણે ગણવામાં આવી છે.

આ ઉપરાંત માળીયા મિયાણાના હરીપર ગામે મચ્છુ નદીના કાંઠે ગેરકાયદેસર રીતે રેતી ખનન ચાલી રહ્યું હોવાની માહિતી મળતા પોલીસ અને ખાણ-ખનીજ વિભાગની સંયુક્ત ટીમે દરોડો પાડ્યો હતો. જ્યાંથી એક હિટાચી મશીન તથા બે હુડકા બોટ મળી આવી હતી. સ્થળ પરથી કુલ રૂ. ૧૪ લાખનો વધારાનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો.

સમગ્ર કાર્યવાહી દરમિયાન કુલ રૂ. ૨,૬૪,૦૦,૦૦૦નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપીઓ અને જપ્ત કરાયેલ મુદ્દામાલને આગળની કાયદેસરની કાર્યવાહી માટે માળીયા મિયાણા પોલીસ મથકે સોંપવામાં આવ્યા છે. ખાણ-ખનીજ વિભાગ દ્વારા પણ દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!