‘હું ઘર છોડીને જાઉ છું’ મને અહીં નથી ગમતું’ તેમ માતાને ફોન કર્યા બાદ સગીરા ચાલી ગઈ.
ટંકારા તાલુકાના હરબટીયાળી ગામની ૧૫ વર્ષીય સગીરા અચાનક ગુમ થઈ જતા પરિવારે અપહરણની શંકા વ્યક્ત કરી પોલીસ ફરિયાદ નોંધાવી છે. સગીરાએ પડોશીના મોબાઇલમાંથી માતાને ફોન કરી ઘર છોડીને જતી હોવાની જાણ કર્યા બાદ પોતાનો મોબાઇલ બંધ કરી ક્યાંક જતી રહી છે. હાલ ટંકારા પોલીસે અજાણ્યા વિરુદ્ધ ગુનો નોંધી, અલગ અલગ દિશામાં સગીરાની શોધખોળ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે રહેતી ૧૫ વર્ષીય સગીરા અચાનક ગુમ થઈ જતા પરિવારમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. આ મામલે સગીરાની માતાએ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે, ગત તા. ૧૨/૦૫/૨૦૨૬ના રોજ તેઓ કામ પર ગયા હતા ત્યારે બપોરના સમયે પાડોશીના મોબાઇલ પર તેમની દીકરીનો ફોન આવ્યો હતો. જેમાં સગીરાએ ‘હું ઘર છોડીને જાઉં છું, મારે અહીં રહેવું નથી’ તેમ કહી ફોન કાપી નાખ્યો હતો. ત્યારબાદ માતા ઘરે પહોંચતા જાણવા મળ્યું હતું કે સગીરા બપોરના સમયે જ ઘરેથી નીકળી ગઈ હતી. પરિવારજનોએ ટંકારા, રાજકોટ સહિત અન્ય જગ્યાઓએ પોતાની રીતે શોધખોળ હાથ ધરી હતી, પરંતુ સગીરાનો કોઈ પત્તો મળ્યો નહોતો. વધુમાં સગીરાનો મોબાઇલ ફોન પણ સતત સ્વિચ ઓફ આવતો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
પરિવારે શંકા વ્યક્ત કરી છે કે સગીરાની ઉંમર નાની હોવાના કારણે કોઈ અજાણ્યો ઇસમ તેને ભગાડી લઈ ગયો હોઈ શકે. હાલ ટંકારા પોલીસે સગીરાની માતાની ફરિયાદને આધારે તેને શોધવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.






