કુટુંબી ભાઈઓ સામે મારામારી, ધમકી સહિતનો ગુનો નોંધાયો.
હળવદ તાલુકાના જુના ઇશનપુર ગામે જમીનના ભાગ બાબતે ચાલતા મનદુઃખને લઈને કુટુંબી ભાઈઓએ યુવક પર લાકડાના ધોકાથી હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. હુમલામાં યુવકના પગમાં ફ્રેક્ચર થયું હોવાનું સામે આવ્યું છે.
હળવદ તાલુકાના જુના ઇશનપુર ગામે રહેતા ભુપતભાઈ તળશીભાઈ પરમારે આરોપી લાલજીભાઈ ઉર્ફે જગદીશભાઈ, કરશનભાઇ વશરામભાઈ અને રમેશભાઈ વશરામભાઈ બધા રહે.જુના ઇશનપુર તા.હળવદ વાળા વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ મુજબ પરિવાર વચ્ચે જમીનના ભાગ બાબતે લાંબા સમયથી મનદુઃખ ચાલતું હતું. ત્યારે ગત તા.૧૩ મેની રાત્રે જમીનના ભાગ બાબતે ફરિયાદી ભૂપતભાઈએ આરોપી રમેશભાઈના ફોન ઉપર વાતચીત કરતા જે અંગે આરોપી રમેશભાઈને ન ગમતા તેઓએ ૧૧૨ માં કોલ કરી પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ રાત્રે ગામમાં ૧૧૨ પોલીસ વાન પહોંચતા ભુપતભાઈ બહાર નીકળ્યા હતા. તે દરમિયાન નારાયણભાઈ મકવાણાના ઘર પાસે પહોંચતા તેમના કુટુંબી ભાઈ આરોપી લાલજીભાઈ ઉર્ફે જગદીશભાઈએ લાકડાના ધોકાથી હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકીઓ તેમજ તેમની પત્નીને પણ ગાળો આપી આરોપીઓ મારવા દોડ્યા હતા. હુમલામાં ભુપતભાઈને ગંભીર ઈજા પહોંચી હતી અને બાદમાં સારવાર દરમિયાન પગમાં ફ્રેક્ચર હોવાનું જાણવા મળ્યું હતું. સમગ્ર મામલે હળવદ પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






