મોરબી શહેર એ-ડિવિઝન પોલીસે આઇપીએલ ટી-૨૦ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. આ સાથે આરોપીઓ પાસેથી રોકડ રકમ, ચાર મોબાઈલ ફોન અને એક ઇલેક્ટ્રિક બાઈક સહિત કુલ રૂ.૧.૦૫ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. જ્યારે ક્રિકેટ બેટિંગ માટે આઈડી પૂરી પાડનાર આરોપીનું નામ ખુલતા પોલીસે તેની અટક કરવા શોધખોળ શરૂ કરી છે.
મોરબી સીટી એ-ડિવિઝન પોલીસે બાતમીને આધારે રવાપર ચોકડી વિસ્તારમાં દરોડો પાડ્યો હતો, જ્યાં કોલા ઇલેક્ટ્રિક મોટર સાયકલ ઉપર બેઠેલા મોસીનભાઈ ઉમેદભાઈ વલીયાણી ઉવ.૩૬ રહે. શારદા સોસાયટી રવાપર-લીલાપર રોડ મોરબી તથા જીજ્ઞેશભાઈ કાંતિભાઈ રામોલીયા ઉવ.૩૭ રહે. ૧૦૪ મહાવીર એપાર્ટમેન્ટ રવાપર ગામ મોરબી મૂળ રહે. ગોંડલ વાળાને ઝડપી પાડવામાં આવ્યા હતા.
તપાસ દરમિયાન આરોપીઓ મોબાઈલ ફોન મારફતે પંજાબ રોયલ્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચે ચાલી રહેલી ટી-૨૦ ક્રિકેટ મેચમાં રનફેર અને હારજીતના સોદા લેતા હોવાનું સામે આવ્યું હતું. પકડાયેલ આરોપીઓએ અન્ય આરોપી જયદીપભાઈ ઉર્ફે જલો મામો પટેલ પાસેથી ઓનલાઇન બેટિંગ માટેની આઈડી મેળવી સટ્ટાનો ધંધો ચલાવતો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું. આ સાથે પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ.૫,૫૦૦/-, ચાર મોબાઈલ ફોન કિ.રૂ.૪૦ હજાર તથા જીજે-૨૧-ડીડી-૫૦૧૦ કોલા ઇલેક્ટ્રિક બાઈક મળી કુલ રૂ.૧,૦૫,૫૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આઇડી ધારકને ફરાર દર્શાવી તેની અટક કરવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.






