કોહિનૂર શોપિંગ સેન્ટરના ગોડાઉનમાં પોલીસનો દરોડો, જુગારધારા કેસ બાદ જાહેરનામા ભંગનો વધુ એક ગુનો નોંધાયો.
મોરબી સીટી એ-ડિવિઝન પોલીસે ક્રિકેટ સટ્ટા કેસમાં ઝડપાયેલા આરોપી મોસીન વલીયાણીના ગોડાઉનમાં દરોડો પાડી પ્રતિબંધિત ૫૦૦ નંગ ગોગો સ્ટીકનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આરોપી વિરુદ્ધ જુગારધારા ઉપરાંત જાહેરનામા ભંગની કલમ હેઠળ વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે.
મોરબી શહેર એ-ડિવિઝન પોલીસે ક્રિકેટ સટ્ટા મામલે કાર્યવાહી કરી રહી હતી ત્યારે આરોપી મોસીનભાઈ ઉમેદભાઈ વલીયાણી ઉવ.૩૬ રહે. શારદા સોસાયટી રવાપર-લીલાપર રોડ વાળાએ કોહિનૂર શોપિંગ સેન્ટરમાં આવેલા પોતાના ગોડાઉનમાં પ્રતિબંધિત ગોગો સ્ટીકનો જથ્થો હોવાની કબૂલાત આપી હતી. ત્યારબાદ પોલીસ ટીમે ઉપરોક્ત આરોપીના ગોડાઉનમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ગોડાઉનમાંથી “સ્ટેશ-પ્રો કોન બ્રાઉન” નામના નશાકારક ગોગો સ્ટીકના ૧૦ બોક્સ મળી આવ્યા હતા. દરેક બોક્સમાં ૫૦ ગોગો સ્ટીક મળી કુલ ૫૦૦ નંગ ગોગો સ્ટીક કિ.રૂ.૪,૦૦૦/-નો જથ્થો ઝડપાયો હતો. આ સાથે પોલીસે આરોપી વિરુદ્ધ રાજ્ય સરકારના જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






