પારિવારિક મનદુખનો ખાર રાખી હુમલો કર્યાનો આક્ષેપ.
મોરબીના વીસીપરા મેઈન રોડ ઉપર સ્કુટી પુરઝડપે ચલાવી આગળ જતાં બાઈકને ટક્કર માર્યા બાદ યુવક ઉપર હેલ્મેટથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે. પારિવારિક મનદુખને લઈને હુમલો કરાયો હોવાના આક્ષેપ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી સ્કુટી ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
મોરબીના વીસીપરા મદીના સોસાયટી ખાતે રહેતા અને વાવડી રોડ પર આવેલી મકદુમ અશરફ મસ્જિદમાં નમાજ પઢાવવાનું કામ કરતા મહેબુબભાઈ ઇકબાલભાઈ ભટ્ટી ઉવ.૨૭ ગઈકાલે તા.૦૩ જૂનના રોજ વહેલી સવારે ૫ વાગ્યે તેઓ પોતાના મોટરસાયકલ પર મસ્જિદ ખાતે જઈ રહ્યા હતા ત્યારે વીસીપરા મેઈન રોડ પર શિવ શક્તિ મેડિકલ પાસે એક સ્કુટી ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે સ્કુટી ચલાવી તેમના બાઈકને પાછળથી ટક્કર મારી હતી. ટક્કર બાદ મહેબુબભાઈ રોડ પર પટકાયા હતા. ત્યારે આરોપી સ્કુટી ચાલક શાહરૂખભાઈ જુસબભાઈ સંધવાણી રહે. મદીના સોસાયટી વાળાએ ઉશ્કેરાઈ ગાળો આપી પોતાના હાથમાં રહેલા હેલ્મેટથી માથાના ભાગે બે-ત્રણ ઘા મારી સામાન્ય ઈજા પહોંચાડી હતી. બનાવ દરમિયાન દેકારો થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા, જેથી આરોપી સ્થળ ઉપરથી જતા જતા “આજે તો બચી ગયો, હવે જીવતો નહીં મુકું” તેવી ધમકી આપી જતો રહ્યો હતો. હાલ ફરિયાદીએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી કે, ઉપરોક્ત સ્કુટી ચાલક આરોપી શાહરુખની બહેનના લગ્ન ફરિયાદીના મોટાબાપુના દીકરા સાથે થયા હતા અને તેણી છેલ્લા સાત માસથી રીસામણે હોય જેનો ખાર રાખીને આ હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલે પોલીસે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૧૧૫(૧), ૩૫૨, ૩૫૧(૨), ૨૮૧ તેમજ મોટર વ્હીકલ એક્ટની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






