વાડીમાં કામ દરમિયાન યુવક દ્વારા ઈશારા બાદ પાસે આવી છેડતી કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ.
હળવદ તાલુકાના વેગડવાવ ગામે વાડીમાં કામ કરતી યુવતી સાથે ગામના જ યુવકે ઈશારા કરી પાસે આવી છેડતી કરી હતી. આ દરમિયાન યુવતી દ્વારા બુમાબુમ બાદ પરિવારજનો દોડી આવતા પીડિતાના માતાપિતા સાથે ઝપાઝપી બાદ આરોપી સ્થળ પરથી ભાગી ગયો હતો. હાલ બનાવ મામલે યુવતીની ફરિયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે.
હળવદ તાલુકાના જુના વેગડવાવ ગામે રહેતી ૨૨ વર્ષીય યુવતીએ ફરિયાદ નોંધાવી છે કે, ગત તા. ૦૨/૦૬/૨૦૨૬ના રોજ સાંજે પોતાની નાની બહેન સાથે વાડીમાં કામ કરતી હતી ત્યારે ગામના કલ્પેશભાઈ જેરામભાઈ નગવાડિયા પોતાનું મોટર સાયકલ લઈને નીકળ્યા હતા. અને આરોપીએ પહેલા યુવતીઓ તરફ ઈશારા કર્યા હતા અને બાદમાં બાઈક ઉભુ રાખી તેમની પાસે આવી છેડતી કરી હતી. ત્યારે યુવતીએ બુમાબુમ કરતા તેના માતા-પિતા ત્યાં દોડી આવ્યા હતા. ત્યારબાદ આરોપી સાથે ઝપાઝપી થઈ હતી અને આરોપી કલ્પેશભાઈ જેરામભાઈ નગવાડિયા સ્થળ પરથી ભાગી ગયો હતો. સમગ્ર મામલે હળવદ પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૭૮(૨) અને ૩૨૯(૩) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






