ડ્રગ્સ અને ખનીજ માફિયાઓ સામે કડક કાર્યવાહીનો સંકેત: લોકોની મદદ માટે આઈજીએ જાહેર કર્યો પોતાનો મોબાઈલ નંબર 99784 08571
મોરબી જીલ્લાનો સમાવેશ રાજકોટ રેન્જમાંથી કચ્છ બોર્ડર રેન્જમાં થયા બાદ રેન્જ આઈજી ચિરાગ કોરડીયાએ મોરબીની પ્રથમ સત્તાવાર મુલાકાત લીધી હતી. પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી છેલ્લા ચારથી છ મહિનાના ગુનાઓ, ટ્રાફિક સમસ્યા, કાયદો-વ્યવસ્થા અને સરહદી સંવેદનશીલ વિસ્તારો અંગે સમીક્ષા કરવામાં આવી હતી. ડ્રગ્સ અને ગેરકાયદેસર ખનન સામે કડક કાર્યવાહી ચાલુ રાખવાનો સંદેશ આપતાં આઈજીએ નાગરિકોને સહયોગ આપવા અપીલ કરી હતી. આ દરમિયાન મોરબી સિરામિક એસોસિએશન દ્વારા તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
મોરબી જીલ્લામાં તાજેતરમાં થયેલા વહીવટી ફેરફાર અંતર્ગત રાજકોટ રેન્જમાંથી કચ્છ બોર્ડર રેન્જમાં સમાવેશ કરવામાં આવ્યા બાદ કચ્છ બોર્ડર રેન્જના આઈજી ચિરાગ કોરડીયાએ મોરબી જીલ્લાનો વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. ચાર્જ સંભાળતાની સાથે જ તેમણે મોરબી ખાતે પોલીસ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. બેઠક દરમિયાન જીલ્લાના ભૌગોલિક વિસ્તાર, સરહદી સંવેદનશીલ વિસ્તારો, કાયદો-વ્યવસ્થાની હાલની સ્થિતિ, છેલ્લા ચારથી છ મહિનામાં બનેલી ગુનાહિત પ્રવૃત્તિઓ અને ટ્રાફિક સંબંધિત સમસ્યાઓ અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ આગામી સમયમાં આ પ્રશ્નોના અસરકારક નિરાકરણ માટે યોગ્ય આયોજન કરવાની દિશામાં ચર્ચા કરવામાં આવી હતી.
આઈજી ચિરાગ કોરડીયાએ જણાવ્યું હતું કે રાજકોટ રેન્જ દરમિયાન જે પ્રકારની કામગીરી કરવામાં આવતી હતી તે જ રીતે બોર્ડર રેન્જ હેઠળ પણ કામગીરી યથાવત ચાલુ રહેશે. મોરબી જીલ્લામાં વધતી ટ્રાફિક સમસ્યા, કાયદો-વ્યવસ્થા અને લોકોની ફરિયાદોને પ્રાથમિકતા આપીને કામગીરી કરવામાં આવશે. ડ્રગ્સના વધતા દૂષણ મુદ્દે કડક વલણ દર્શાવતા આઈજીએ જણાવ્યું હતું કે યુવાધનને બચાવવા માટે પોલીસ વિભાગ સંપૂર્ણ મક્કમતાથી કામગીરી કરી રહ્યો છે અને ભવિષ્યમાં પણ આ અભિયાન વધુ અસરકારક બનાવવામાં આવશે. કોલેજના વિદ્યાર્થીઓ, સમાજના આગેવાનો તથા સામાન્ય નાગરિકોને ક્યાંય પણ ડ્રગ્સ સંબંધિત પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત ગેરકાયદેસર ખનન અને ખનીજ માફિયાઓ સામે ચાલી રહેલી કાર્યવાહી વધુ કડક અને વેગવંતી બનાવાશે તેમ પણ જણાવ્યું હતું.
તેમણે મોરબી પોલીસ અને જીલ્લા પોલીસવડાની કામગીરીને બિરદાવતાં જણાવ્યું હતું કે મોરબી પોલીસ કાયદો-વ્યવસ્થા જાળવવા તેમજ ગુનાઓના ડિટેક્શનમાં સારું કાર્ય કરી રહી છે. લોકો પણ પોલીસને પૂરતો સહયોગ આપે તે જરૂરી છે. કોઈપણ નાગરિકને માહિતી આપવી હોય કે મદદની જરૂર હોય તો વિના સંકોચે સીધો સંપર્ક કરી શકે તે માટે આઈજી ચિરાગ કોરડીયાએ પોતાનો મોબાઈલ નંબર 9978408571 જાહેર કર્યો હતો.






