મોરબી જિલ્લા કલેક્ટર કોર્ટમાં ચાલી રહેલા મહેસૂલી અને ન્યાયિક કેસોની પ્રક્રિયાને વધુ પારદર્શક, ઝડપી અને પ્રજાકેન્દ્રિત બનાવવા માટે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ મહત્વપૂર્ણ સુધારાઓ અમલમાં મુકવામાં આવ્યા છે. હવે કલેક્ટર કોર્ટ હેઠળ ચાલતા મહેસૂલી અપીલ-રિવિઝન કેસો, જમીન શાખાના શરતભંગના કેસો તેમજ ટેલિગ્રાફ એક્ટ હેઠળના કેસોની સુનાવણી ‘ઓપન કોર્ટ’ પદ્ધતિથી કરવામાં આવશે. સાથે જ સમગ્ર પ્રક્રિયાને ડિજિટલ બનાવવા માટે iRCMS (Integrated Revenue Court Management System) પોર્ટલનો અસરકારક ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે.
નવી વ્યવસ્થા મુજબ તમામ કેસોમાં વાદી અને પ્રતિવાદી બંને પક્ષોને ઓપન કોર્ટમાં રૂબરૂ સાંભળવામાં આવશે અને પોતાની રજૂઆત કરવાની સમાન તક આપવામાં આવશે. કેસોની સુનાવણી દરમિયાન પારદર્શિતા જળવાય અને નિર્ણય પ્રક્રિયા વધુ વિશ્વસનીય બને તે માટે આ અભિગમ અપનાવવામાં આવ્યો હોવાનું જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે. કલેક્ટર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે, પેન્ડિંગ કેસોનો ઝડપી નિકાલ અને અરજદારોને સરળ ન્યાયિક પ્રક્રિયા ઉપલબ્ધ કરાવવી એ આ પહેલનો મુખ્ય હેતુ છે. સરકારની ડિજિટલ નીતિને અનુરૂપ અપીલ અને રિવિઝન કેસોની તમામ વિગતો હવે iRCMS પોર્ટલ પર ઓનલાઈન ઉપલબ્ધ રહેશે. પરિણામે અરજદારો પોતાના કેસની સ્થિતિ, આગામી મુદત અને અન્ય જરૂરી માહિતી સરળતાથી મેળવી શકશે. આ ઉપરાંત કેસ સાથે સંકળાયેલા પક્ષકારોને મુદત, નોટિસ અને અન્ય મહત્વની માહિતી SMS મારફતે સીધી મોબાઈલ ફોન પર મોકલવામાં આવશે. જેના કારણે અરજદારોને કોર્ટની વારંવાર મુલાકાત લેવાની જરૂરિયાતમાં ઘટાડો થશે અને સમયની પણ બચત થશે.
નવી પ્રણાલી હેઠળ સુનાવણી પૂર્ણ થયા બાદ જે કેસો ચુકાદા માટે રાખવામાં આવશે, તેમાં અરજી મંજૂર કે નામંજૂર થઈ હોવાની માહિતી અને ચુકાદાની તારીખ ઓપન કોર્ટમાં જ જાહેર કરવામાં આવશે. ત્યારબાદ નિયત તારીખે પક્ષકારોને રૂબરૂ હુકમની નકલ પણ આપવામાં આવશે. વહીવટી સુગમતાના ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ પગલાં તરીકે હવે ઓપન કોર્ટમાં જાહેર થયેલા હુકમની અસરરૂપ ફેરફાર નોંધ (મ્યુટેશન એન્ટ્રી) પણ હક્કપત્રકમાં હુકમના દિવસે જ દાખલ થાય તેવી વ્યવસ્થા અમલમાં મુકવામાં આવી છે. આ પ્રથા મહેસૂલી પ્રક્રિયાને વધુ ઝડપી અને અસરકારક બનાવશે. મોરબી જિલ્લા કલેક્ટર કોર્ટમાં અમલમાં મુકાયેલી આ નવી વ્યવસ્થાને વહીવટી પારદર્શિતા, ડિજિટલ ગવર્નન્સ અને ઝડપી ન્યાય પ્રણાલીની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ તરીકે જોવામાં આવી રહી છે.






