પાડોશી દંપતી સહિત ચાર ઈસમો સામે ગુનો નોંધાયો.
વાંકાનેરના તીથવા ગામે પાડોશમાં રહેતા પરિવાર સાથેની બોલાચાલીના મામલે ચાર શખ્સોએ ઘરમાં ઘૂસી લોખંડના પાઇપ વડે માતા-પુત્રી ઉપર હુમલો કર્યો હતો. જેમાં પુત્રીને ઇજા પહોંચાડી હતી. ત્યારે ઝઘડામાં છોડાવવા વચ્ચે પડેલ અન્ય પાડોશી ગર્ભવતી મહિલાને પણ હુમલાખોરોએ માર માર્યો હતો. હાલ વાંકાનેર તાલુકા પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે.
વાંકાનેર તાલુકાના તીથવા ગામે લાલશાનગર ધાર વિસ્તારમાં રહેતા મુમતાઝબેન સલીમશા શાહમદાર ઉવ.૪૨એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, ગત તા.૩૦/૦૫ના રોજ રાત્રે મુમતાઝબેન પોતાની દીકરી જસ્મીન અને દીકરા ઇરફાન સાથે ઘરે હોય તે દરમિયાન ઘરના દરવાજા પર જોરજોરથી ધક્કા મારી ગાળો આપી દરવાજો ખોલી પાડોશી આરોપી યુનુશભાઈ કાળુભાઈ હાલા અને તેની પત્ની યાસ્મીનબેન રહે. બંને તીથવા વાળા સાથે આરોપી સમીરભાઈ આદમભાઈ દલપોત્રા તથા મુસ્તાકભાઈ ઉર્ફે મુસો હાજીભાઈ દલપોત્રા રહે.બંને વાલાસણ વાળાએ ખોટી શંકા કુશંકા નાખી બોલાચાલી કરી ઝઘડો શરૂ કર્યો હતો.
આરોપીઓ પૈકી સમીરભાઈએ લોખંડના પાઇપ વડે ફરિયાદીની દીકરી જસ્મીનને ખંભાના ભાગે માર મારી ઇજા પહોંચાડી હતી. જ્યારે ઝઘડામાં છોડાવવા વચ્ચે પડેલ પાડોશી ગર્ભવતી સાનીયા જાકીરભાઈ રાઠોડને આરોપી મુસ્તાકભાઈએ ધક્કા અને ઢીકાપાટુ માર મારતા તેને પણ ઇજા પહોંચી હતી. બનાવ બાદ ઇજાગ્રસ્તોને સારવાર માટે પહેલા વાંકાનેર અને બાદમાં રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે પોલીસે ચારેય આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ તથા જી.પી. એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






