Monday, June 8, 2026
HomeGujaratનર્મદાના પાણી મુદ્દે માળિયાના ખેડૂતોમાં રોષ : 12 જૂન સુધી ખીરાઈ કેનાલમાં...

નર્મદાના પાણી મુદ્દે માળિયાના ખેડૂતોમાં રોષ : 12 જૂન સુધી ખીરાઈ કેનાલમાં પાણી નહીં પહોંચે તો ભૂખ હડતાલની ચીમકી

વાવેતરની સિઝન માથે આવી પહોંચી હોવા છતાં માળિયા તાલુકાના છેવાડાના વિસ્તારોમાં નર્મદા કેનાલનું પાણી નહીં પહોંચતાં ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. ખેડૂતોનું કહેવું છે કે ખેતી માટે આ સમય અત્યંત મહત્વનો હોવા છતાં હજુ સુધી પાણી છોડવા અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, જેના કારણે આગામી ખેતી સીઝન પર ગંભીર અસર થવાની ભીતિ ઉભી થઈ છે.

- Advertisement -
- Advertisement -

ખેડૂત આગેવાનોના જણાવ્યા મુજબ, માળિયા તાલુકાના અનેક ગામોના ખેડૂતો લાંબા સમયથી નર્મદા કેનાલના પાણીની રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ કેનાલના ઉપરવાસ વિસ્તારોમાં પાણીનો દુરુપયોગ થતો હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે કેટલાક વિસ્તારોમાં બખનાળા મારફતે પાણીનો બિનજરૂરી વપરાશ થઈ રહ્યો છે, છતાં જવાબદાર વિભાગો દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવતી નથી. ખેડૂતોનું માનવું છે કે વાવેતરનો સમય શરૂ થઈ ગયો છે અને સમયસર પાણી નહીં મળે તો પાક આયોજન ખોરવાઈ શકે છે. ખાસ કરીને વરસાદની અનિશ્ચિતતા વચ્ચે કેનાલનું પાણી ખેડૂતો માટે જીવનદોરી સમાન હોવાનું તેઓ જણાવી રહ્યા છે. આ મુદ્દે હવે ખેડૂતો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની જાહેરાત કરવામાં આવી છે. ખેડૂત આગેવાનોના જણાવ્યા અનુસાર જો આગામી 12 જૂન સુધી ખીરાઈ ગામ સુધીની નર્મદા કેનાલમાં પાણી નહીં પહોંચે તો ઘાટીલા ગામ નજીક કેનાલ પર ભૂખ હડતાલ શરૂ કરવામાં આવશે. આંદોલનની જાહેરાત સાથે ખેડૂતો દ્વારા સમગ્ર પંથકના ખેડૂત ભાઈઓને એકતા દર્શાવી આ લડતમાં જોડાવા અને સાથ-સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. ખેડૂતોનું કહેવું છે કે પાણીના પ્રશ્ને હવે માત્ર રજૂઆતો પૂરતી નથી, પરંતુ હક માટે લડત આપવી જરૂરી બની છે. નર્મદા કેનાલના પાણી મુદ્દે ખેડૂતો દ્વારા આપવામાં આવેલી આ ચીમકી બાદ તંત્ર શું પગલાં ભરે છે અને પાણી પુરવઠા અંગે શું નિર્ણય લેવાય છે તેના પર હવે સમગ્ર માળિયા પંથકના ખેડૂતોની નજર મંડાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!