મોરબી શહેરને સ્વચ્છ, સુંદર અને સુઘડ બનાવવાના સંકલ્પ સાથે મોરબી મહાનગરપાલિકા દ્વારા સોમવારે ભવ્ય ‘સ્વચ્છતા જાગૃતિ રેલી’નું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ લાવવાના હેતુથી યોજાયેલી આ રેલીમાં રાજકીય આગેવાનો, મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
મોરબી મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતેથી રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ સરદારબાગ અને શનાળા રોડ સુધી પહોંચી હતી. અંતે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું. સમગ્ર માર્ગ દરમિયાન સ્વચ્છતા અંગેના સૂત્રોચ્ચારો અને જનજાગૃતિના સંદેશો દ્વારા નાગરિકોને સ્વચ્છ શહેરના નિર્માણ માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. રેલીમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયા, જિલ્લા મહામંત્રી નિર્મલભાઈ જારીયા, મેયર ઉત્તમભાઈ સુરાણી, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પંડસુંબીયા, દંડક જયેશભાઈ દેસાઈ તથા શાસક પક્ષના નેતા અર્પિતાબા જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત મહાનગરપાલિકાના વિવિધ વોર્ડના કોર્પોરેટરો, ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ અને વિવિધ સમાજના અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન સ્વચ્છતા જાળવવા માટે જનસહભાગિતાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. મહાનગરપાલિકા દ્વારા નગરજનોને અપીલ કરવામાં આવી હતી કે સ્વચ્છતા માત્ર સરકારી તંત્રની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની સામૂહિક ફરજ છે. શહેરને સ્વચ્છ અને હરિયાળું બનાવવા માટે સૌએ આગળ આવી સહભાગી બનવું જરૂરી હોવાનું જણાવાયું હતું. સ્વચ્છતા અભિયાન અંતર્ગત યોજાયેલી આ રેલી દ્વારા મોરબીમાં સ્વચ્છતા અંગે સકારાત્મક સંદેશ પહોંચ્યો હતો અને નાગરિકોમાં શહેર પ્રત્યેની જવાબદારીની ભાવના વધુ મજબૂત બનતી જોવા મળી હતી.






