Tuesday, June 9, 2026
HomeGujaratમોરબી ગ્રામ્યમાં મહિલાઓ પર સામૂહિક દુષ્કર્મ આચરનાર ચાર હેવાનો ઝડપાયા

મોરબી ગ્રામ્યમાં મહિલાઓ પર સામૂહિક દુષ્કર્મ આચરનાર ચાર હેવાનો ઝડપાયા

ચોરી-લુંટના ઇરાદે ખેત મજૂરોની વાડીઓમાં ઘૂસતી ગેંગે મહિલાઓને નિશાન બનાવી આચર્યા જઘન્ય ગુનાઓ, ગણતરીના દિવસોમાં મોરબી પોલીસે ભેદ ઉકેલ્યો.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં અલગ-અલગ બે બનાવોમાં ખેત મજૂર પરિવારોને છરી-ધોકા જેવા હથિયારો બતાવી મહિલાઓ પર દુષ્કર્મ અને સામુહિક દુષ્કર્મ આચરનાર દેવીપૂજક ગેંગના ત્રણ આરોપી અને એક કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરને મોરબી એલસીબી, પેરોલ ફર્લો સ્કવોડ અને તાલુકા પોલીસે ઝડપી પાડ્યા છે. આ કેસમાં એક આરોપી હજુ ફરાર છે. પોલીસે આરોપીઓ પાસેથી મોબાઇલ ફોન અને મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

મોરબી તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં ખેત મજૂર પરિવારોને નિશાન બનાવી મહિલાઓ પર દુષ્કર્મ અને સામુહિક દુષ્કર્મના બે જઘન્ય બનાવોમાં મોરબી પોલીસે ઝડપી કામગીરી કરી ગણતરીના દિવસોમાં ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. બંને બનાવોમાં એક જ મોડસ ઓપરેન્ડીથી કાર્ય કરતી દેવીપૂજક ટોળકી સંડોવાયેલી હોવાનું સામે આવ્યું છે. જેમાં પ્રથમ બનાવ તા.૪ જૂનના રોજ રાત્રિના સમયે તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં આવેલી વાડીમાં બન્યો હતો. પાંચ અજાણ્યા શખ્સો ચોરી-લુંટના ઇરાદે વાડીમાં ઘૂસ્યા હતા. ખેત મજૂરો જાગતા હોવાથી આરોપીઓએ પોતે “છોકરી શોધવા આવ્યા છીએ” તેવી વાત કરી ખેત મજૂર દંપતીને નીલગરીના ઝાડ તરફ લઈ ગયા હતા. ત્યારબાદ પતિના ગળા પર છરી રાખી જાનથી મારી નાખવાની ધમકી આપી ૨૨ વર્ષીય મહિલાને એક આરોપીએ બળજબરીપૂર્વક દુષ્કર્મનો ભોગ બનાવી હતી.

જ્યારે બીજા બનાવમાં તા.૫ જૂનની મધરાત્રિ બાદ તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં આવેલી બીજી વાડીમાં પાંચ શખ્સો છરી અને ધોકા જેવા હથિયારો સાથે ઘૂસ્યા હતા. ધાબા પર સુતા ખેત મજૂરોને જગાડી સોના-ચાંદીના દાગીના માંગ્યા હતા. દાગીના ન હોવાનું જણાવતા આરોપીઓએ ૨૩ વર્ષીય મહિલાના પતિને ધમકાવી તેની હાજરીમાં ત્રણ શખ્સોએ વારા ફરતી સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓ નાસી ગયા હતા. બંને બનાવોમાં આરોપીઓની ઉંમર અંદાજે ૨૦થી ૩૦ વર્ષની હોવાનું તેમજ તેઓ કાઠીયાવાડી ભાષા બોલતા હોવાનું બહાર આવ્યું હતું. ગુનાઓની ગંભીરતાને ધ્યાને લઈ મોરબી એલસીબી, પેરોલ ફર્લો સ્કવોડ અને તાલુકા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ, હ્યુમન સોર્સ અને ખાનગી બાતમીના આધારે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન આરોપીઓ દેવીપૂજક ગેંગના હોવાનું અને હળવદ તાલુકા વિસ્તારના હોવાની માહિતી મળી હતી. ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી આરોપી નવઘણભાઈ કાળુભાઈ વાધેલા ઉવ.૨૧, દિલીપ ઉર્ફે દિપો કેશાભાઈ વાજેલીયા ઉવ.૨૦, મુન્નાભાઈ ગંગારામભાઈ વાજેલીયા ઉવ.૨૩ તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલા ૧૬ વર્ષીય એક બાળ કિશોર તમામ રહે. કડીયાણા તા.હળવદ વાળાને ઝડપી પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપીઓએ બંને ગુનાઓ કબૂલ કર્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ચાર મોબાઇલ ફોન તથા એક મોટરસાયકલ મળી કુલ રૂ. ૫૦ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે દિનેશભાઈ મધુભાઈ જખાણીયા રહે. મયહક તા.હળવદ નામનો આરોપી હજુ ફરાર હોવાનું અને તેની શોધખોળ ચાલુ હોવાનું પોલીસે જણાવ્યું છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ રાત્રિના સમયે મોટરસાયકલ ઉપર ફરી ગ્રામ્ય સીમ વિસ્તારમાં એકલવાયા ખેત મજૂરોને નિશાન બનાવતા હતા. ચોરી અથવા લૂંટ માટે જતા અને કાંઈ હાથ ન લાગતા મહિલાઓ પર દુષ્કર્મ આચરતા હતા. આ સાથે મોરબી જીલ્લા પોલીસે પ્રજાજોગ સંદેશ આપતા જણાવ્યું છે કે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય મજૂરો માટે મજબૂત દરવાજાવાળા મકાનો, સીસીટીવી કેમેરા અને સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ તેમજ મહિલા મજૂરોને લોકોની અવરજવરવાળા વિસ્તારમાં રાત્રિ રોકાણની સુવિધા ઉપલબ્ધ કરાવવી જરૂરી છે જેથી આવા ગુનાઓ અટકાવી શકાય.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!