મોરબી શહેરના વિકાસને વધુ ગતિ આપવા અને વહીવટી કામગીરીને વધુ પારદર્શક તથા જનકેન્દ્રિત બનાવવા માટે મોરબી મહાનગરપાલિકા ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં શહેરના ચૂંટાયેલા પદાધિકારીઓ અને વહીવટી તંત્રના અધિકારીઓએ વિકાસકાર્યો, નાગરિક સુવિધાઓ અને ભાવિ આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.
મોરબી મહાનગરપાલિકા ખાતે યોજાયેલી બેઠકની અધ્યક્ષતા મેયર ઉત્તમ સુરાણીએ કરી હતી. બેઠકમાં ડેપ્યુટી મેયર ચિરાગ રાણપરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતિ પંડસુંબીયા, શાસક પક્ષના નેતા જયેશ દેસાઈ, દંડક અર્પિતાબા જાડેજા સહિત તમામ કોર્પોરેટરો, મહાનગરપાલિકાના કમિશનર તેમજ વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન કોર્પોરેશનની કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
જેમાં કોર્પોરેશનના પ્રોટોકોલ અને શિસ્તનું કડક પાલન, રોજિંદી વહીવટી પ્રક્રિયાઓને વધુ સરળ અને લોકાભિમુખ બનાવવાની દિશામાં પગલાં તેમજ મોરબીના આગામી વિકાસકાર્યો માટે રોડમેપ તૈયાર કરવા અંગે વિશેષ વિચારણા કરવામાં આવી હતી. શહેરના સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપતા પદાધિકારીઓએ નાગરિકોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા, સ્વચ્છતા અભિયાનને વધુ અસરકારક બનાવવા, કામગીરીમાં પારદર્શિતા જાળવવા અને લોકોના પ્રશ્નોનો ઝડપી નિકાલ લાવવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસલક્ષી યોજનાઓને ઝડપથી અમલી બનાવવા માટે પણ ભાર મૂકવામાં આવ્યો હતો. બેઠકમાં ખાસ કરીને ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વહીવટી તંત્ર વચ્ચે વધુ સારા સંકલનની જરૂરિયાત પર ભાર મુકાયો હતો. મોરબીના વિકાસને નવી દિશા અને નવી ઊંચાઈ આપવા માટે તમામ પદાધિકારીઓ અને અધિકારીઓ એક ટીમ તરીકે કાર્ય કરશે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. આગામી સમયમાં શહેરના માળખાકીય વિકાસ, નાગરિક સુવિધાઓના વિસ્તરણ, સ્વચ્છતા અને સુવ્યવસ્થિત શહેરી આયોજનને કેન્દ્રમાં રાખી વિવિધ પ્રોજેક્ટ્સને અમલમાં મૂકવામાં આવશે. આ બેઠકને મોરબીના ભાવિ વિકાસ માટેની મહત્વપૂર્ણ કડી તરીકે જોવામાં આવી રહી છે.






