બી ડિવિઝન પોલીસે ગ્રાન્ડ આઈ-૧૦ કાર અને સ્પ્લેન્ડર પ્લસ બાઇક સહિત રૂ.૨.૩૫ લાખનો મુદ્દામાલ કર્યો રિકવર.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મહેન્દ્રનગર વિસ્તારમાં થયેલી બે અલગ-અલગ વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી એક શખ્સની અટકાયત કરી છે. આ સાથે પોલીસે આરોપીની પૂછપરછમાં ચોરી કરેલ ગ્રાન્ડ આઈ-૧૦ કાર અને સ્પ્લેન્ડર પ્લસ બાઇક એમ બંને વાહનો મળી કુલ રૂ.૨.૩૫ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ જે.ડી. સરવૈયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન બિલ્વા કોમ્પ્લેક્ષ પાસે એક શંકાસ્પદ ઇસમ મળી આવ્યો હતો. ત્યારે પોલીસ દ્વારા યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં તેણે મહેન્દ્રનગર સ્થિત સી.એન.જી. પંપ પાસે આવેલા જય અંબે મોટર્સ ગેરેજ એન્ડ સર્વિસમાંથી હ્યુન્ડાઇ ગ્રાન્ડ આઈ-૧૦ કાર ચોરી કર્યાની કબૂલાત આપી હતી. વધુ પૂછપરછમાં આરોપીએ મહેન્દ્રનગરના ધાયડી વિસ્તારમાંથી હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ ચોરી કર્યાની કબુલાત પણ આપી હતી. પોલીસ તપાસમાં બંને વાહનો મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનાઓમાં ચોરાયેલા હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે આરોપી પાર્થભાઈ પ્રફુલભાઈ જીવરાજભાઈ ફડદુ ઉવ.૨૬ હાલ રહે. પ્રાચીનગરમાં મહેન્દ્રનગર મોરબી-૨ મૂળ રહે.કણેરી ગામ તા.કેશોદ જી.જુનાગઢ વાળાની અટક કરી તેની પાસેથી રૂ.૨ લાખની કાર તથા રૂ.૩૫ હજારનું બાઇક મળી કુલ રૂ.૨.૩૫ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.






