મોરબી તાલુકાના રંગપર(બેલા) ગામ નજીક શ્રમશ્રદ્ધા હોટલ સામે પુલ પર બાઇકની ટક્કરે ૪૭ વર્ષીય રાહદારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ બાઇક ચાલક વાહન સ્થળ ઉપર મૂકીને નાસી ગયો હતો.
મોરબીના રંગપર(બેલા) ગામના રહેવાસી જયંતીભાઈ મગનભાઈ કગથરા ઉવ.૪૭ ગત ૧૦ જૂને રાત્રે રસ્તા પર ચાલીને જઈ રહ્યા હતા ત્યારે શ્રમશ્રદ્ધા હોટલ નજીક પુલ પર હીરો સ્પ્લેન્ડર બાઇક નં. જીજે-૩૬-એકે-૧૦૪૩ના ચાલક મેહુલભાઈ મધુભાઈ ગડેસીયા રહે.અણીયારી તા.જી.મોરબી વાળાએ તેમને હડફેટે લીધા હતા. અકસ્માતમાં જયંતીભાઈને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલ અને બાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ચાલક પોતાનું બાઇક સ્થળ પર જ મૂકીને ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ તથા મોટર વાહન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






