મોરબીના વાવડી ચોકડી પાસે પૂરઝડપે આવેલી હ્યુન્ડાઈ ઓરા કારે રીક્ષાને ટક્કર મારતા રીક્ષા પલટી મારી ગઈ હતી. અકસ્માતમાં રીક્ષામાં સવાર મહિલાનું મોત નીપજ્યું હતું જ્યારે રીક્ષા ચાલક તેમના પતિને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડાયા હતા.
મોરબીના વાવડી રોડ વિસ્તારમાં શ્રીરામ પાર્ક ખાતે રહેતા રીક્ષાચાલક દિલીપભાઈ પોપટભાઈ સોઢા ઉવ.૬૫ પોતાની પત્ની ભાનુબેન સાથે ગત તા.૧૦/૦૬ના રોજ રાત્રે રીક્ષામાં ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન વાવડી ચોકડી પાસે રોડ ક્રોસ કરી કટ પર પહોંચતા નવલખી ફાટક તરફથી પૂરઝડપે આવેલી હ્યુન્ડાઈ ઓરા કાર રજી.નં. જીજે-૧૦-ઈસી-૨૨૩૧ રીક્ષાની પાછળની બાજુએ ધડાકાભેર અથડાઈ હતી. જે જોરદાર ટક્કરના કારણે રીક્ષા પલટી મારી જતા રીક્ષા ચાલક દિલીપભાઈને શરીરે ગંભીર ઇજાઓ, પાસળીઓમાં ફ્રેક્ચર તથા ખંભા પાસે ઈજા પહોંચી હતી. જ્યારે તેમના પત્ની ભાનુબેનને માથામાં ગંભીર ઇજાઓ પહોચતા તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જી કાર ચાલક પોતાનું વાહન મૂકીને સ્થળ પરથી નાસી ગયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. હાલ પોલીસે કાર ચાલક આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમો તથા મોટર વાહન અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






