વરિયા માતાજી મંદિરના જીર્ણોદ્ધાર માટે યોજાયેલી કથામાં મેયર, ડેપ્યુટી મેયર, ભાજપ આગેવાનો અને સમાજના અગ્રણીઓએ લીધો કથા શ્રવણનો લાભ.
મોરબીમાં વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા વરિયા માતાજી મંદિરના નવનિર્માણ અને જીર્ણોદ્ધાર લાભાર્થે યોજાયેલી શ્રીમદ ભાગવત સપ્તાહમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા, મેયર ઉત્તમ સુરાણી, જીલ્લા ભાજપ મહામંત્રી નિર્મલ જારીયા, ઉપપ્રમુખ કાજલ ચંડીભમર સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કથા દરમિયાન આયોજકો દ્વારા મહાનુભાવોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
મોરબીમાં વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા વરિયા માતાજી મંદિરના જીર્ણોદ્ધાર અને નવનિર્માણ માટે ગત ૮ જૂનથી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. સર્વપિતૃ મોક્ષાર્થે આયોજિત આ કથામાં દરરોજ મોટી સંખ્યામાં જ્ઞાતિજનો અને ભક્તો હાજરી આપી રહ્યા છે. ત્યારે ગઈકાલ તા.૧૨ જૂનના રોજ આ કથામાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા, મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણી, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, મોરબી જીલ્લા ભાજપ મહામંત્રી નિર્મલભાઈ જારીયા, જીલ્લા ભાજપ ઉપપ્રમુખ કાજલબેન ચંડીભમર, દંડક જયેશભાઈ દેસાઈ, શાસક પક્ષના નેતા અર્પિતાબા પુષ્પરાજસિંહ જાડેજા તેમજ વોર્ડ નં. ૫ના કોર્પોરેટર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કથાના આયોજકો દ્વારા તમામ મહાનુભાવોનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું.
વરિયા પ્રજાપતિ સમાજના રાજેશભાઈ બરાસરાએ જણાવ્યું હતું કે ભાગવત સપ્તાહ દરમિયાન પ્રાપ્ત થનાર દાનની રકમ વરિયા માતાજી મંદિરના જીર્ણોદ્ધાર માટે ઉપયોગમાં લેવામાં આવશે. કથા દરમિયાન દરરોજ ૫૦૦થી ૬૦૦ જેટલા મહેમાનો અને જ્ઞાતિજનો માટે પ્રસાદ તથા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત આજરોજ ૧૩ જૂને વરિયા માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લોકગાયક ઉમેશભાઈ રાવળ માતાજીના ગુણગાન રજૂ કરશે.
સમાજના અગ્રણીઓ મનસુખભાઈ ઉભડિયા અને એડવોકેટ ગૌતમ વરિયાએ જણાવ્યું હતું કે વર્ષ ૧૯૭૫માં સમાજના સહયોગથી નિર્માણ પામેલા વરિયા માતાજી મંદિરના જીર્ણોદ્ધાર માટે સમગ્ર વરિયા પ્રજાપતિ સમાજ, ઠાકર ગૃહ મંડળ, મહિલા મંડળ અને સો ઓરડીના સહયોગથી આ ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે. કથા દરમિયાન રામજન્મ, કૃષ્ણજન્મ, વામન અવતાર, ગોવર્ધન લીલા અને રાસલીલા જેવા ઉત્સવો ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યા છે, જેને સમાજના લોકોનો ઉત્સાહભર્યો પ્રતિસાદ મળી રહ્યો છે.






