“સરોજબેન મારા પતિ સાથે કેમ ફરે છે?” કહી બબાલ: મહિલા પર હુમલો અને છરી દેખાડી ધાકધમકી આપી.
હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં એક મહિલાના ઘર પાસે રાત્રિના સમયે આરોપી દંપતી સહિતનો આવી સરોજબેન અંગે પૂછપરછ કરી ગાળાગાળી અને મારામારી કર્યાનો બનાવ સામે આવ્યો છે. હાલ હળવદ પોલીસે આરોપજ દંપતી સહિત ત્રણ શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતા અને જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં રહેતા ભારતીબેન ભરતભાઈ ખાવડિયા ઉવ.૩૦એ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. ૨૬ મેની રાત્રે તેઓ અને તેમના પતિ ઘર પાસે સૂતા હતા ત્યારે તેમના ઓળખીતાં આરોપી તેજલબેન મહેશભાઈ જાંબુકીયા, તેમના પતિ મહેશભાઈ થોભણભાઈ જાંબુકીયા તથા મેરાભાઈ દલવાડી બધા રહે. હળવદ વાળા ત્યાં આવી પહોંચ્યા હતા. ત્યારે આરોપી તેજલબેને “સરોજબેન મારા પતિ સાથે કેમ ફરે છે અને તે ક્યાં છે?” તેમ કહી પૂછપરછ શરૂ કરી હતી. ફરિયાદી ભારતીબેને સરોજબેન ત્યાં ન હોવાનું જણાવતા આરોપીઓ ગાળાગાળી કરવા લાગ્યા હતા. ગાળો બોલવાની ના પાડતાં તેજલબેને ભારતીબેનને ઢીંકાપાટુનો માર માર્યો હતો. બનાવ દરમિયાન આરોપી મેરાભાઈ દલવાડી હાથમાં છરી લઈને ઉભા રહ્યા હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. બાદમાં ભારતીબેનના પતિએ વચ્ચે પડી સમજાવટ કરતાં ત્રણેય આરોપીઓ સ્થળ પરથી ચાલ્યા ગયા હતા. ફરિયાદીએ વધુમાં જણાવ્યું છે કે તેજલબેન અગાઉ પણ તેમના ઘર પાસે આવી ઝઘડો કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ બનાવ અંગે હળવદ પોલીસે તેજલબેન મહેશભાઈ જાંબુકીયા, મહેશભાઈ થોભણભાઈ જાંબુકીયા અને મેરાભાઈ દલવાડી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ તથા જીપી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






