માળીયા-જામનગર હાઈવે પર સર્જાયેલા અકસ્માતમાં બલેનો કારને ટ્રકે હડફેટે લીધી.
માળીયા(મી) તાલુકાના મોટી બરાર ગામ નજીક ટ્રક અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં કાર સવાર એક મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે કાર ચાલક સહિત તેમના પત્ની, દાદી તથા દીકરીને ઇજાઓ પહોંચી હતી. હાલ અકસ્માત મામલે પોલીસે આરોપી ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
મળતી વિગતો મુજબ, ફરિયાદી કુશલભાઈ ધર્મેન્દ્રભાઈ વાઘમશી રહે.અર્બુદાનગર અંતરજાળ તા.ગાંધીધામ જી.કચ્છ મુળરહે. શીણાય તા.ગાંધીધામ વાળાએ માળીયા(મી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે, ફરિયાદીના ભાઈ પ્રિન્સ ધર્મેન્દ્રભાઈ વાઘમશી પોતાની સુઝુકી બલેનો કાર રજી.નં. જીજે-૩૯-સીએ-૦૭૬૫ લઈને ગત તા.૧૪ જુનના રોજ પરિવારજનો સાથે જતા હતા ત્યારે માળીયા-જામનગર હાઈવે પર મોટી બરાર ગામ પાસે પાણીની ટાંકીથી આગળ પીપળીયા ચાર રસ્તા તરફ જતા રોડ ઉપર ટાટા કંપનીના ટ્રક રજી.નં. જીજે-૧૨-બીવી-૩૦૭૪ના ચાલકે ટ્રક બેદરકારીપૂર્વક અને પુરઝડપે ચલાવી આવી કારને હડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં કાર ચાલક પ્રિન્સ વાઘમશીને હાથ અને પગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે તેમની પત્નીને ચહેરાના ભાગે, દાદીને માથાના ભાગે તેમજ ભત્રીજીને સામાન્ય ઇજાઓ થઈ હતી. જ્યારે પ્રિન્સ વાઘમશીના સાળી એકતાબેન અરવિંદભાઈ કાતરિયાને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું. હાલ માળીયા(મી) પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






