મોરબી જીલ્લામાં એક જ દિવસમાં અપમૃત્યુના ચાર અલગ-અલગ બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં મોરબીમાં કારખાનાની રૂમમાં યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, જ્યારે એક યુવાન રહેણાંક મકાનમાં બેભાન હાલતમાં મૃત મળ્યો હતો. નીચી માંડલ ખાતે કિશોર કૂવામાં પડી જતા મોતને ભેટ્યો અને વાંકાનેરના જાલસીકા પાસે મચ્છુ નદીમાં નાહવા ગયેલી પરિણીતાનું ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. હાલ મોરબી પોલીસે સંબંધિત પોલીસ મથકમાં અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.
મોરબી જીલ્લામાં એક જ દિવસ દરમિયાન અલગ અલગ ચાર અપમૃત્યુના બનાવો નોંધાતા ચકચાર મચી છે. મોરબી સીટી એ ડિવિઝન વિસ્તારમાં રાજપર રોડ પર આવેલા દેવ પોલીપ્લાસ્ટ કારખાનાના રહેણાંક રૂમમાં રહેતી ઝારખંડની ૨૨ વર્ષીય શિવાની વીરસિંહ ચામ્પિયાએ કોઈ અગમ્ય કારણોસર દેવ પોલીપ્લાસ્ટ કારખાનાના રૂમમા લોખંડના પાઇપ સાથે ચુંદળી બાંધી ગળેફાસો ખાઇ લેતા તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ એ ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અપમૃત્યુના બીજા બનાવમાં મુળ કડોદરા ગામ તા.કોડીનાર જી.ગીર સોમનાથના વતની હાલ મોરબી કાયાજી પ્લોટ શેરી નં.૦૪ માં રૂચિત રેસિડેન્સીમાં રહેતા ૨૫ વર્ષીય સ્મિતકુમાર ગજાનંદભાઈ ઉપાધ્યાય પોતાના રહેણાંક મકાનમાં બેભાન હાલતમાં મળી આવ્યા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા ફરજ ઉપર હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. હાલ પોલીસે અ. મોતની નોંધ કરી વધુ તપાસની તજવીજ શરૂ કરી છે.
મોરબી તાલુકાના નીચી માંડલ ગામ નજીક વધુ એક દુર્ઘટનામાં ૧૭ વર્ષીય મેહુલભાઈ ચીમનભાઈ રાઠવા રહે.હાલ નોકેન સીરામીક હળવદ-મોરબી રોડ નીચી માંડલ મુળ રહે. વાવડી ગામ પુજારા ફળીયુ જી.વડોદરા વાળો કુદરતી હાજતે જવા માટે નેકોન સીરામીકની બાજુમાં રાજુભાઇ કુડારીયાના ખેતરમાં કૂવામાંથી પાણી ભરવા જતા પગ લપસતાં કૂવામાં પડી ગયો હતો. ત્યારે કિશોરને કુવામાંથી બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો જ્યાં હાજર ડોક્ટરે જોઈ તપાસી મેહુલભાઈને મરણ જાહેર કર્યા હતા.
આ ઉપરાંત અપમૃત્યુના ચોથા બનાવમાં વાંકાનેર તાલુકાના જાલસીકા ગામ પાસે આવેલા હોલ માતાના મંદિરે દર્શન કરવા ગયેલ રાજકોટની ૨૪ વર્ષીય પરિણીતા કિંજલબેન કેવલકુમાર નાદપરા મચ્છુ નદીમાં નાહવા જતા પાણીમાં ડૂબી ગયા હતા. ત્યારે તેઓને વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડતા ફરજ ઉપર હાજર ડોક્ટરે તેણીને મૃત જાહેર કર્યા હતા.






