ગોર ખીજડીયા આંગણવાડીના વર્કર સાથે ઉદ્ધત વર્તનનો આક્ષેપ, બગથળા સેજામાં ૮થી ૧૦ વર્કર-હેલ્પર સોમવારે રાજીનામું ધરે તેવી શક્યતા.
મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામની આંગણવાડીમાં ગેસ સિલિન્ડરની અછત અંગે કરાયેલી રજૂઆત બાદ આઈ.સી.ડી.એસ. વિભાગના ઉચ્ચ અધિકારીઓએ વર્કર સાથે ઉદ્ધત વર્તન કર્યું હોવાના આક્ષેપો ઉઠ્યા છે. ઘટનાને લઈને બગથળા સેજાની આંગણવાડી વર્કર અને હેલ્પરોમાં રોષ ફેલાયો છે અને ૮થી ૧૦ કર્મચારીઓ સોમવારે રાજીનામું આપે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
મોરબી તાલુકાના બગથળા સેજા હેઠળ આવેલા ગોર ખીજડીયા ગામની આંગણવાડીમાં ગેસ સિલિન્ડરની અછતને લઈને વિવાદ સર્જાયો છે. મળતી માહિતી મુજબ આંગણવાડીમાં આશરે ૩૨ જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે, જેમના માટે રોજ ત્રણ વખત નાસ્તો અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. જોકે વિભાગ દ્વારા વર્ષ દરમિયાન માત્ર ત્રણ ગેસ સિલિન્ડર ફાળવાતા હોવાના કારણે પૂરતા ન પડતા વધુ સિલિન્ડરની જરૂરિયાત ઉભી થઈ છે. આ સમસ્યાને લઈને આંગણવાડી વર્કરે ગામના સરપંચ મારફતે આઈ.સી.ડી.એસ. વિભાગના પ્રોગ્રામ ઓફિસર (પી.ઓ.) અને ચાઈલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર (સી.ડી.પી.ઓ.) સમક્ષ રજૂઆત કરી હતી. પરંતુ પ્રશ્નના નિરાકરણના બદલે અધિકારીઓએ ગોર ખીજડીયા આંગણવાડીના વર્કર સાથે ઉદ્ધત ભાષામાં વાત કરી હોવાના અને કર્મચારીઓ પર રોફ જમાવ્યો હોવાના આક્ષેપો થયા છે.
તાજેતરમાં યોજાયેલી બગથળા સેજાની આંગણવાડી વર્કરોની બેઠક બાદ આ ઘટના બની હોવાનું જણાવાઈ રહ્યું છે. અધિકારીઓના વર્તનથી વર્કરો અને હેલ્પરોમાં ભારે અસંતોષ ફેલાયો છે. ઉપરાંત, આંગણવાડી કર્મચારીઓને શિક્ષણ અને બાળ સંભાળની કામગીરી સાથે ગેસ સિલિન્ડર માટે દાતાઓ શોધવાની જવાબદારી સોંપાતી હોવાની ફરિયાદ પણ ઉઠી છે. આ સમગ્ર મામલે બગથળા સેજાની ૮થી ૧૦ જેટલી આંગણવાડી વર્કર અને હેલ્પરો સોમવારે સામૂહિક રાજીનામું ધરે તેવી ચર્ચા ચાલી રહી છે. હવે જીલ્લા તંત્ર અને કલેક્ટર કચેરી આક્ષેપોની તપાસ કરીને કોઈ કાર્યવાહી કરે છે કે નહીં તે તરફ સૌની નજર મંડાઈ છે.






