ટંકારા તાલુકાના લજાઈ ગામથી વાંકાનેર બાઇક ઉપર જઈ રહેલા બે મિત્રોને લજાઈ જીઆઈડીસી નજીક અક્ષણત નડ્યો હતો. જેમાં પૂરપાટ ઝડપે આવતા ટ્રકે બાઇકને ટક્કર મારતાં બંને મિત્રો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ત્યારે સારવાર દરમિયાન રાજકોટ ખાતે બંને યુવકોના મોત નિપજ્યા હતા. હાલ મૃતક બાઇક ચાલકના પિતાની ફરિયાદને આધારે ટંકારા પોલીસે આરોપી ટ્રકચાલક સામે ગુનો નોંધી આગળની તજવીજ શરૂ કરી છે.
મળતી વિગતો મુજબ, મૂળ રાજસ્થાનના વતની હાલ વાંકાનેર ખાતે મજૂરી કામ કરતા કાનારામ મદનલાલ ગુલજારીદાસ સ્વામી અને તેમનો મિત્ર ધર્મેન્દ્ર રહે.રાજસ્થાન વાળો ગત તા.૧૨ જુનના રોજ બાઇક રજી.ન. જીજે-૩૬-બીએ-૨૫૬૫ લઈને લજાઈથી વાંકાનેર તરફ જતાં હતા ત્યારે લજાઈ જીઆઈડીસી નજીક પહોંચ્યા તે અરસામાં ટ્રક રજી.નં. જીજે-૧૨-એટી-૭૫૮૩ના ચાલકે પોતાનું વાહન બેફિકરાઈ અને પૂરપાટ ઝડપે હંકારી બાઇક સાથે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં બંને મિત્રોને માથા અને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી બંનેને પ્રથમ મોરબી અને બાદમાં રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાં બાઇક ચાલક કાનારામનું ૧૨ જૂને અને ધર્મેન્દ્રનું ૧૪ જૂને સારવાર દરમિયાન મોત થયું હતું. હાલ મૃતકના પિતાની ફરિયાદના આધારે તંજરા પોલીસે આરોપી ટ્રકચાલક સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ તેમજ મોટર વાહન અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






