માળિયા મિયાણા વિસ્તારમાં ધોરણ-૯ માં પ્રવેશથી વંચિત રહી ગયેલા ૧૯ વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને વાલીઓમાં ઊભી થયેલી ચિંતા ઉભી થઈ હતી જેના પગલે માળિયા મિયાણા નગરપાલિકાના પ્રમુખ હારુનભાઈ સંધવાણી દ્વારા મોરબી જિલ્લા શિક્ષણ અધિકારીને કરવામાં આવેલી તાત્કાલિક અને સચોટ રજૂઆતને પગલે શિક્ષણ વિભાગે હકારાત્મક અભિગમ દાખવ્યો છે અને તાત્કાલિક ધોરણે વર્ગ વધારો કરી આપવાની ખાતરી આપી છે.
પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓ માટે ઊભી થઈ હતી ગંભીર સમસ્યા
અત્રે ઉલ્લેખનીય છે કે, માળિયા મિયાણા શહેરમાં આવેલી શ્રી જોશી હાઈસ્કૂલ અને નજીકની શ્રી મોટી બરાર મોડેલ સ્કૂલમાં ધોરણ-૯ ના વર્ગોમાં વિદ્યાર્થીઓની સંખ્યા પહેલેથી જ મર્યાદા કરતા વધુ હોવાથી ૧૯ જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ મળી શક્યો ન હતો.આ પરિસ્થિતિના કારણે આ વિદ્યાર્થીઓ ડ્રોપઆઉટ બને અને તેમનું શિક્ષણ છૂટી જાય તેવી ગંભીર ભીતિ ઊભી થઈ હતી.
વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને નગરપાલિકા પ્રમુખ હારુનભાઈ સંધવાણીએ વાલીઓ વતી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી, મોરબી ખાતે લેખિતમાં ભારપૂર્વક રજૂઆત કરી હતી. પ્રમુખશ્રીની આ રજૂઆતને ડી.ઈ.ઓ. કચેરી તરફથી અત્યંત હકારાત્મક અને ત્વરિત પ્રતિસાદ મળ્યો છે.જિલ્લા શિક્ષણ અધિકારીએ વિદ્યાર્થીઓના હિતને સર્વોપરી ગણીને, શ્રી જોશી હાઈસ્કૂલ અથવા શ્રી મોટી બરાર મોડેલ સ્કૂલ ખાતે ધોરણ-૯ માં વધારાનો વર્ગ મંજૂર કરી આપવા અને વિદ્યાર્થીઓને સત્વરે પ્રવેશ ફાળવવા માટે જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.શિક્ષણ વિભાગના આ હકારાત્મક નિર્ણયથી પ્રવેશથી વંચિત ૧૯ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં વ્યાપેલી ચિંતા દૂર થઈ છે અને મોટી રાહતની લાગણી ફેલાઈ છે. નગરપાલિકા પ્રમુખ હારુનભાઈ સંધવાણીના સઘન પ્રયાસોથી આ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વર્ષ બગડતું અટકશે અને તેઓ પોતાનો અભ્યાસ નિર્વિઘ્ને ચાલુ રાખી શકશે.આ તકે પ્રમુખએ વિદ્યાર્થીઓના હિતમાં ત્વરિત અને હકારાત્મક નિર્ણય લેવા બદલ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ અને મોરબી જિલ્લા શિક્ષણ અધિકારીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.






