Tuesday, June 23, 2026
HomeGujaratસરકારની વિદેશ અભ્યાસ લોન યોજનાથી મોરબીના હર્ષ બોસીયાનું MBBSનું સ્વપ્ન થયું સાકાર

સરકારની વિદેશ અભ્યાસ લોન યોજનાથી મોરબીના હર્ષ બોસીયાનું MBBSનું સ્વપ્ન થયું સાકાર

ઉઝબેકિસ્તાનમાં મેડિકલ અભ્યાસ માટે ૪ ટકા વ્યાજે રૂ. ૧૫ લાખની લોન, અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે આવક મર્યાદા વગર સહાય યોજના ઉપલબ્ધ.

- Advertisement -
- Advertisement -

મોરબી: આજની વૈશ્વિક સ્પર્ધાના યુગમાં વિદેશની ધરતી પર ઉચ્ચ શિક્ષણ મેળવવાના તેજસ્વી વિદ્યાર્થીના આ સપના આડે આર્થિક સંકડામણ ઘણીવાર દીવાલ બનીને ઉભી રહે છે. આવા સમયે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની કલ્યાણકારી યોજનાઓ મધ્યમવર્ગીય પરિવારોના સંતાનોની કારકિર્દી ઘડવા માટે પ્રેરકબળ સાબિત થઈ રહી છે. આ યોજના મોરબીના શનાળા રોડ પર આવેલી પંચવટી સોસાયટીમાં રહેતા યુવાન હર્ષ ચેતનભાઇ બોસીયાના જીવનમાં નવા સપના તરફ ઉડવા માટેની પાંખ બની છે.

હર્ષે મોરબીની નાલંદા વિદ્યાલયમાંથી ધોરણ-૧૨ સાયન્સનો અભ્યાસ ૭૨.૭૬% ના ઉચ્ચ ગુણાંક સાથે ઉત્તીર્ણ કર્યો હતો. હર્ષના પિતા વ્યવસાએ શિક્ષક છે અને પરિવારમાં એકમાત્ર કમાનાર હોવાની સાથે તેમના પર ઘરની લોનનો આર્થિક બોજ પણ હતો. હર્ષનું સપનું વિદેશ જઈને તબીબી ક્ષેત્રે ઉચ્ચ શિક્ષણ એટલે કે એમ.બી.બી.એસ. (MBBS) કરવાનું હતું, પરંતુ વિદેશના ભારેખમ ખર્ચના કારણે સમગ્ર પરિવાર ચિંતાતુર રહેતો હતો અને હર્ષને પોતાનું સ્વપ્ન અધૂરું રહેશે તેમ લાગતું હતું. આ કપરા સમયે તેમના પિતાને સરકારની વિદેશ અભ્યાસ લોન યોજનાની જાણકારી મળી. તેમણે તુરંત જ મોરબી જીલ્લા સેવા સદન ખાતે આવેલી ‘નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી’ ની મુલાકાત લીધી. કચેરીમાંથી માહિતી મળી કે આ યોજનામાં કોઈ આવક મર્યાદા નથી અને પાત્રતા ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીને માત્ર ૪% ના રાહત વ્યાજ દરે રૂ.૧૫.૦૦ લાખની લોન મળવાપાત્ર છે.

હર્ષે જરૂરી આધારભૂત દસ્તાવેજો સાથે ‘ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ’ પર ઓનલાઈન અરજી સબમિટ કરી હતી. વહીવટી પ્રક્રિયા પૂર્ણ થતાં જ રૂ.૧૫.૦૦ લાખની લોન સીધી હર્ષના બેંક ખાતામાં જમા થઈ ગઈ હતી. આ સરકારી સહાયના બળે હર્ષે ઉઝબેકિસ્તાન દેશના સમરકંદ શહેરની પ્રતિષ્ઠિત ‘સમરકંદ સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી’ માં એમ.બી.બી.એસ. ના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી લીધો છે અને પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા પણ સફળતાપૂર્વક આપી દીધી છે.

હર્ષ અને તેના પરિવારે સરકારનો આભાર માનતા જણાવ્યું કે, સરકારની આ યોજના મારા જેવા અનેક જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દીના ઘડતરમાં સાચા અર્થમાં સીમાચિહ્નરૂપ સાબિત થઈ રહી છે.

અનુસૂચિત જાતિ (SC) ના જે વિદ્યાર્થીઓ ધોરણ-૧૨ કે સ્નાતક કક્ષાએ ૫૦% કે તેથી વધુ ગુણ ધરાવતા હોય અને મૂળ ગુજરાતના વતની હોય, તેઓને વિદેશની સરકાર માન્ય સંસ્થામાં પોસ્ટ ગ્રેજ્યુએટ, પી.એચ.ડી કે ટેકનિકલ કોર્સ માટે રૂ.૧૫ લાખની લોન આપવામાં આવે છે. પરિવારના મહત્તમ બે સભ્યો આ લાભ લઈ શકે છે. વિઝા અને એર ટિકિટ રજૂ કર્યા બાદ ઓનલાઈન અરજી મંજૂર કરવામાં આવે છે. આ લોનની વસૂલાત વિદ્યાર્થીનો અભ્યાસ પૂર્ણ થયાના ૬ મહિના પછી શરૂ થાય છે, જેને આગામી ૧૦ વર્ષના સમયગાળામાં ચૂકવવાની રહે છે, જેમાં પ્રથમ મૂળ રકમ અને ત્યારબાદ વ્યાજની વસૂલાત કરવામાં આવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!