કલેક્ટર-એસપી સહિતના અધિકારીઓ ઉપવાસ છાવણી પહોંચ્યા: લેખિત ડ્રાફ્ટિંગ બાદ જ નિર્ણય લેશે ખેડૂતો.
જેતપર ગામે ચાલી રહેલા આમરણાંત ઉપવાસ આંદોલનના છઠ્ઠા દિવસે કલેક્ટર, એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ખેડૂતો સાથે ચર્ચા કરવા પહોંચ્યા હતા. અધિકારીઓએ ખેડૂતોને ગાંધીનગર આવવા આમંત્રણ આપ્યું હતું, પરંતુ ખેડૂતોએ લેખિત ડ્રાફ્ટિંગ મળ્યા વિના કોઈપણ વાટાઘાટ માટે ગાંધીનગર જવાનો ઇનકાર કર્યો છે.
મોરબીના જેતપર ગામે વીજપોલ અને ટ્રાન્સમિશન કોરિડોરના મુદ્દે ખેડૂતોનું આમરણાંત ઉપવાસ આંદોલન વધુ મક્કમ બનતું જઈ રહ્યું છે. આજે આંદોલનના છઠ્ઠા દિવસે રાત્રિના સમયે કલેક્ટર, એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ખેડૂતોની ઉપવાસ છાવણી ખાતે પહોંચ્યા હતા અને ખેડૂતો સાથે ચર્ચા કરી હતી. ખેડૂતોના જણાવ્યા મુજબ અધિકારીઓએ વાટાઘાટો માટે ગાંધીનગર આવવાનું આમંત્રણ આપ્યું હતું, પરંતુ સંગઠન સમિતિએ ગાંધીનગર જવાની મનાઈ ફરમાવતા ખેડૂતોએ આ ઓફર નકારી કાઢી હતી.
જેતપર ગામના ખેડૂત નિકેત પંચાસરાએ જણાવ્યું હતું કે સરકાર પ્રથમ લેખિતમાં ડ્રાફ્ટિંગ આપે, ત્યારબાદ તેના અભ્યાસ પછી જ ખેડૂતો આગામી નિર્ણય લેશે. ખેડૂતોના જણાવ્યા અનુસાર તંત્ર તરફથી તેમને બે વખત ગાંધીનગર આવવા માટે તેડું મોકલવામાં આવ્યું છે, છતાં તેઓએ જવાનો ઇનકાર કર્યો છે. ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે આ લડત માત્ર જેતપર ગામ પૂરતી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર ગુજરાતના ખેડૂતોના હિત સાથે જોડાયેલી છે. તેથી કોઈપણ પ્રકારનું સમાધાન તમામ ખેડૂતોના હિતમાં અને સર્વસંમતિથી જ સ્વીકારવામાં આવશે, અન્યથા આંદોલન યથાવત ચાલુ રહેશે.






