તાલીમ કાર્યક્રમથી લઈ તળાવમાં મૃત માછલીઓના નિકાલ અને શહેરવ્યાપી સફાઈ અભિયાન સુધી વિવિધ કામગીરી હાથ ધરાઈ.
મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ વર્ષ ૨૦૨૬ દરમિયાન શહેરની સ્વચ્છતા, જાહેર આરોગ્ય અને ઘન કચરા વ્યવસ્થાપન ક્ષેત્રે અનેક મહત્વપૂર્ણ કામગીરી કરી છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટે નિયમો અંગે તાલીમ, શનાળા તળાવમાં મૃત માછલીઓના નિકાલ તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ અને નાળા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યા હતા.
મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરને સ્વચ્છ અને સ્વસ્થ રાખવાના હેતુથી વર્ષ ૨૦૨૬ દરમિયાન વિવિધ કામગીરી સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવી છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-૨૦૨૬ અંતર્ગત સરદારબાગ ખાતે તમામ SSI માટે વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અધિકારીઓ અને કર્મચારીઓને સ્વચ્છતા નિયમો, કચરા વ્યવસ્થાપનની પદ્ધતિઓ તથા કામગીરીના ધોરણો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તાજેતરમાં શનાળા તળાવમાં રહસ્યમય રીતે માછલીઓના મૃત્યુની ઘટના સામે આવતા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ તાત્કાલિક કાર્યવાહી કરીને મૃત માછલીઓનું નિરાકરણ કર્યું હતું. આ કામગીરીથી દુર્ગંધ, પ્રદૂષણ અને જાહેર આરોગ્યને અસર કરતી સમસ્યાઓ અટકાવવામાં આવી હતી. આ ઉપરાંત વિશેષ સ્વચ્છતા અભિયાન અંતર્ગત નરસંગ ટેકરી મંદિરથી રવાપર ચોકડી સુધી સઘન સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવી હતી.
શહેરના વિવિધ વિસ્તારોમાં નાળાઓની નિયમિત સફાઈ પણ કરવામાં આવી હતી, જેમાં ગુરુદત્તાત્રેય મંદિર સામે આવેલ નાળું, શ્રીકુંજ વિસ્તારનું નાળું તથા શિવાલય પ્લાઝા વિસ્તારના નાળાની સફાઈનો સમાવેશ થાય છે. SWM શાખાની આ કામગીરી શહેરની સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહી હોવાનું શાખા અધ્યક્ષે જણાવ્યું હતું.






