મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા દ્વારા રાત્રિ દરમિયાન વિશેષ નાઈટ-ડ્રાઈવ યોજી ફૂટપાથ પર રહેતા ઘરવિહોણા અને નિરાધાર લોકોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. ડ્રાઈવ દરમિયાન ૨૨ લોકોને તેમના પરિવાર સાથે મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા.
મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા દ્વારા શહેરી ઘરવિહોણા લોકોના કલ્યાણ માટે તા.૨૨ જૂનના રોજ રાત્રિ દરમિયાન વિશેષ નાઈટ-ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. કમિશ્નર અને નાયબ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ યુ.સી.ડી. શાખા તેમજ સંચાલક સંસ્થાના સ્ટાફે શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂટપાથ પર રહેતા ઘરવિહોણા લોકોની મુલાકાત લઈ તેમને આશ્રયગૃહનો લાભ લેવા પ્રેરિત કર્યા હતા.
મોરબી મહાનગરપાલિકા દ્વારા નિમણૂક કરાયેલ શ્રી સિદ્ધિ ખાદી ગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થા સંચાલિત મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે ઘરવિહોણા અને નિરાધાર લોકોને નિઃશુલ્ક રહેવા, જમવા સહિતની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ત્યારે નાઈટ-ડ્રાઈવ દરમિયાન કુલ ૨૨ ઘરવિહોણા લોકોને તેમના પરિવાર સાથે આશ્રયગૃહમાં પહોંચાડવામાં આવ્યા હતા.
આ ઉપરાંત, મહાનગરપાલિકાએ વધુમાં વધુ જરૂરિયાતમંદ લોકોને આશ્રયગૃહની સુવિધાનો લાભ લેવા અનુરોધ કર્યો છે. આશ્રયગૃહ અંગે વધુ માહિતી માટે મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ, મોરબીના મોબાઈલ નંબર ૯૭૨૬૫ ૦૧૮૧૦ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.






