છૂટાછેડા બાદ પત્નીને સાથે મોકલવાનો ઇનકાર કરતાં ઉશ્કેરાયેલ જમાઈએ આતંક મચાવ્યો, જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર.
હળવદના પ્રતાપગઢ ગામે છૂટાછેડા બાદ પત્નીને તેડવા આવેલા શખ્સને સાસરીયાઓએ પત્નીને સાથે મોકલવાની ના પાડતાં ઉશ્કેરાઈ સસરાના ગળાના ભાગે છરીનો ઘા ઝીંક્યો હતો. આ દરમિયાન છરીનો બીજો ઘા મારતા અટકાવવા વચ્ચે પડેલી પુત્રવધૂને પણ હાથમાં ઇજા પહોંચી હતી. જે બાદ જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી સ્થળ ઉપરથી ભાગી ગયો હતો. હાલ હળવદ પોલીસે હત્યાની કોશિષ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
હળવદ તાલુકાના પ્રતાપગઢ ગામે રહેતા ગીતાબેનને તેમના પતિ જશમતભાઈ જગમાલભાઈ કુણપરા સાથે આશરે એક મહિના પહેલાં છૂટાછેડા થઈ ગયા હતા અને ગીતાબેન હાલ પિયરમાં રહે છે. ત્યારે ગત તા.૨૮ જૂનની સાંજે આરોપી જશમતભાઈ પત્નીને તેડવા માટે સાસરે પહોંચ્યા હતા. જોકે પરિવારજનોએ ગીતાબેનને તેમની સાથે મોકલવાનો ઇનકાર કરતા જશમતભાઈ ઉશ્કેરાઈ ગયા હતા. આ દરમિયાન તેમણે છરી કાઢી તેમના સસરા લક્ષ્મણભાઈ ઉપર જાનથી મારી નાખવાના ઇરાદે હુમલો કરી ગળાના ભાગે છરીનો એક ઘા મારી દીધો હતો. ત્યારે બીજો ઘા મારવા જતા તેમની પુત્રવધુ ભારતીબેને છરી પકડી લેતા તેઓને પણ હાથની હથેળીમાં છરી વાગી હતી.
આ દરમિયાન દેકારો થતા પરિવારના અન્ય સભ્યો આવી જતા આરોપી જતા-જતા પત્નીને સાથે મોકલી દેજો નહિતર તમામને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયો હતો. હુમલામાં ગંભીર રીતે ઘાયલ લક્ષ્મણભાઈને પ્રથમ હળવદની બાદ વધુ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમના ગળાનું ઓપરેશન કરવામાં આવ્યું છે. ત્યારે સમગ્ર બનાવ અંગે ફરિયાદી ભારતીબેન અલ્પેશભાઈ ઉડેચાની ફરિયાદના આધારે હળવદ પોલીસે આરોપી જશમતભાઈ જગમાલભાઈ કુણપરા રહે. હાલ હળવદ કુંભાર દરવાજા પાસે મૂળ વતન તગડી ગામ તા. ધંધુકા વાળા સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૯(૧), ૩૫૧(૩), ૧૧૫(૨) તેમજ જીપી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.






