ખોવાયેલું પાકીટ મૃતક પાસેથી મળતાં ઉશ્કેરાયેલા મિત્રએ માથા અને શરીરે ફટકા માર્યા, સારવાર મળે તે પહેલાં ખેતમજૂર યુવકનું મોત.
મોરબી જીલ્લામાં વધુ એક હત્યાના બનાવ અંગે ચકચાર મચી જવા પામી છે, જેમાં ટંકારા તાલુકાના નસીતપર ગામે પાકીટ ચોરીની શંકામાં મિત્રએ જ ખેતમજૂર યુવક પર લાકડાના ધોકાથી હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ત્યારે સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવે તે પહેલાં જ યુવકનું મોત નીપજતા ટંકારા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.
ટંકારા તાલુકાના નસીતપર ગામે અશોકસિંહ હનુભા ઝાલા રહે. હાલ રતનપર ગામ તા.જી.રાજકોટ મૂળ નસીતપર તા.ટંકારાની વાડીમાં મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતો રવિભાઈ બાબુભાઈ ચોરાસા કે જે ખેત શ્રમિક તરીકે છેલ્લા એક વર્ષથી કામ કરે છે તેનું તેમના મિત્ર અનિલ અશ્વિનભાઈ મકવાણાએ લાકડાના ધોકાથી માર મારી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે વાડી માલીક અશોકસિંહે નોંધાવેલ ફરિયાદ મુજબ, ગત તા.૨૮/૦૬ના રોજ જીયારતના તહેવાર નિમિત્તે રાત્રે વાડી પાસે મૃતક રવિભાઈ સહિત તેના મિત્રો બેઠા હતા. તે દરમિયાન અનિલ મકવાણાનું પાકીટ ખોવાઈ ગયું હતું. શોધખોળ દરમિયાન પાકીટ મૃતક રવિભાઈ પાસે મળી આવતા અનિલને તેમના પર ચોરીની શંકા ગઈ હતી.
ત્યારે ઉશ્કેરાયેલા અનિલે લાકડાના ધોકાથી રવિભાઈના માથા અને શરીરના ભાગે આડેધડ ફટકા માર્યા હતા. જેથી ગંભીર રીતે ઘાયલ રવિભાઈને તેમના મિત્ર અમીન પલેજા અને અનિલ મકવાણા સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ લાવ્યા હતા, પરંતુ ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ આરોપી અનિલ મકવાણા સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. હાલ ટંકારા પોલીસે આરોપી અનિલ અશ્વિનભાઈ મકવાણા રહે.મોરબી વાળા સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૩(૧) તેમજ જીપી એક્ટ સહિતની કલમ હેઠાક ગુનો નોંધી આરોપીને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.






