F.Y.B.Com અને F.Y.BBAના વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત, વ્યક્તિત્વ વિકાસ અને કારકિર્દી ઘડતર અંગે માર્ગદર્શન અપાયું.
મોરબીની પી.જી. પટેલ કોલેજમાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે F.Y.B.Com અને F.Y.BBAના વિદ્યાર્થીઓ માટે મોટિવેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જાણીતા ઓરિએટર અને મોટિવેશનલ સ્પીકર દિગંતભાઈ ભટ્ટે વિદ્યાર્થીઓને કારકિર્દી અને વ્યક્તિત્વ વિકાસ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું.
નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત નિમિત્તે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને કૌશલ્ય વિકાસ માટે સતત કાર્યરત મોરબીની પી.જી. પટેલ કોલેજમાં પ્રથમ વર્ષના F.Y.B.Com અને F.Y.BBAના વિદ્યાર્થીઓ માટે વિશેષ મોટિવેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ તથા આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટના નેજા હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં નવા વિદ્યાર્થીઓનું કોલેજ પરિવાર દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે જાણીતા ઓરિએટર અને મોટિવેશનલ સ્પીકર દિગંતભાઈ ભટ્ટે વિદ્યાર્થીઓને કોમર્સ અને મેનેજમેન્ટ ક્ષેત્રનું મહત્વ, ઉચ્ચ અભ્યાસ અને ઉજ્જવળ કારકિર્દી ઘડવાની તકો તેમજ વ્યક્તિત્વ વિકાસ દ્વારા જીવનમાં સફળતા મેળવવાના વિવિધ પાસાઓ અંગે રસપ્રદ અને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. તેમના વક્તવ્યને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક સાંભળ્યું હતું.
કાર્યક્રમમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારના અંતે આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટે મુખ્ય વક્તા દિગંતભાઈ ભટ્ટને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માનિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે આચાર્યના માર્ગદર્શન હેઠળ કોલેજના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.






