હીરાસરી રોડ પર રૂ. ૬.૭૫ કરોડના ખર્ચે મોડર્ન લાઇબ્રેરીને મંજૂરી, જર્જરિત મકાનો સામે કાર્યવાહી અને ઘાસચારા ડેપો મામલે તપાસના આદેશ.
મોરબી મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના વિકાસ અને લોકસુવિધાને લગતા અનેક મહત્વના નિર્ણયો લેવાયા હતા. જેમાં નંદીઘરની એજન્સી બદલવા અંગે ચર્ચા, હીરાસરી રોડ પર નવી મોડર્ન લાઇબ્રેરીને મંજૂરી, નવા વિસ્તારો માટે વેરા ગ્રેડ નક્કી કરવા તેમજ ઘાસચારા ડેપો મામલે તપાસ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મોરબી મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. બેઠકમાં અગાઉની બેઠકના એજન્ડાને બહાલી આપવામાં આવી હતી તેમજ શહેરના વિકાસ અને વહીવટી કામગીરીને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ચોમાસાને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલી પ્રી-મોન્સૂન કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. સાથે શહેરમાં જોખમી અને જર્જરિત મકાનોને નોટિસ ફટકારી જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. નવા સમાવિષ્ટ વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટની સુવિધા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. દિવાળી દરમિયાન વધારાના લાઇટિંગ પોઇન્ટનું આશરે રૂ.૨૦ લાખનું બિલ તેમજ ૧,૦૦૦ નવી આધુનિક સ્ટ્રીટ લાઇટ લગાવવાનો પ્રસ્તાવ હાલ પેન્ડિંગ રાખવામાં આવ્યો છે.
બેઠકમાં હીરાસરી માર્ગ પર રૂ.૬.૭૫ કરોડના ખર્ચે આધુનિક લાઇબ્રેરીનું નવું બિલ્ડિંગ બનાવવાના કામને મંજૂરી આપવામાં આવી હતી. ઉપરાંત મહાનગરપાલિકામાં નવા ભળેલા ગ્રામ્ય અને પછાત વિસ્તારોમાં વ્યવસાય વેરાની વિસંગતતા દૂર કરવા બજાર મુજબ વેરા ગ્રેડ નક્કી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રસ્તાઓના નવીનીકરણ માટેની નવી દરખાસ્તો પણ મંજૂરી માટે રજૂ કરવામાં આવી હતી. ઉપરાંત, શહેરના નંદીઘરના સંચાલન અંગે વારંવાર ઉઠતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને સ્ટેન્ડિંગ કમિટીમાં વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. વર્તમાન એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરીને તેના સ્થાને કોઈ સેવાભાવી અને સક્ષમ સંસ્થાને જવાબદારી સોંપી નંદીઘરનું સંચાલન વધુ અસરકારક બનાવવાની દિશામાં કાર્યવાહી હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વિશેષમાં વિસીપરા વિસ્તારમાં પશુઓના ઘાસચારા ડેપોમાં કથિત ચોરી અને ગેરરીતિના આક્ષેપો અંગે ચેરમેને જણાવ્યું હતું કે મહાનગરપાલિકા પાસે સત્તાવાર સ્ટોક રજિસ્ટર ઉપલબ્ધ ન હોવાથી દસ્તાવેજી વિસંગતતા સામે આવી નથી. જોકે, મૌખિક રજૂઆતોના આધારે કમિશનરે સંબંધિત વિભાગના વડાને લેખિત નોટિસ પાઠવી પાંચથી છ દિવસમાં જવાબ માંગ્યો છે. જવાબ મળ્યા બાદ તપાસ પૂર્ણ કરી જવાબદારો સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.






