Saturday, July 4, 2026
HomeGujaratગુજરાત સરકારનો ખેડૂતહિતમાં મોટો નિર્ણય, વીજ ટાવર-લાઇનના વળતરમાં માતબર વધારો

ગુજરાત સરકારનો ખેડૂતહિતમાં મોટો નિર્ણય, વીજ ટાવર-લાઇનના વળતરમાં માતબર વધારો

જંત્રીને બદલે બજારભાવના બમણા દરે વળતર મળશે, ૧૦૦ ટકા ચુકવણી એકસાથે થશે: માર્કેટ રેટ કમિટીમાં ખેડૂત પ્રતિનિધિઓને સ્થાન.

- Advertisement -
- Advertisement -

ગુજરાત સરકારે ખેડૂતોને મોટી રાહત આપતા ખેતરોમાંથી પસાર થતી વીજ લાઇન અને વીજ ટાવર માટે ચૂકવાતા વળતરમાં ઐતિહાસિક વધારો જાહેર કર્યો છે. હવે જંત્રીના આધારે નહીં પરંતુ જમીનના પ્રવર્તમાન બજારભાવના બમણા દરે વળતર ચૂકવાશે. ઉપરાંત ટાવરના બેઝ વિસ્તારની ગણતરીમાં વધારો, એકસાથે ૧૦૦ટકા ચુકવણી અને માર્કેટ રેટ કમિટીની રચના સહિતના મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે ખેડૂતોના આર્થિક હિતને ધ્યાનમાં રાખીને વીજ ટ્રાન્સમિશન લાઇન અને વીજ ટાવર માટે ચૂકવાતા વળતરની નીતિમાં મહત્વપૂર્ણ ફેરફારો જાહેર કર્યા છે. ખેડૂતો અને વિવિધ ખેડૂત સંગઠનો સાથે ચર્ચા-વિચારણા બાદ કૃષિ મંત્રી જીતુ વાઘાણી, ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ તથા રાજ્યકક્ષાના ઊર્જા મંત્રી કૌશિક વેકરિયાની ઉપસ્થિતિમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

નવી નીતિ મુજબ હવે વીજ લાઇન માટે ખેડૂતોને જંત્રીના બમણા દરને બદલે જમીનના પ્રવર્તમાન બજારભાવના બમણા દરે વળતર ચૂકવવામાં આવશે. સરકારનું માનવું છે કે આ નિર્ણયથી ખેડૂતોને તેમની જમીનનું વધુ વાજબી અને ન્યાયસંગત વળતર મળશે. સરકારે વીજ ટાવરના બેઝ વિસ્તારની ગણતરીમાં પણ ખેડૂતોને લાભ મળે તે માટે સુધારો કર્યો છે. અગાઉ ટાવરના પાયાના વાસ્તવિક વિસ્તાર પ્રમાણે વળતર ચૂકવાતું હતું, જ્યારે હવે દરેક બાજુએ વધારાના એક મીટરનો સમાવેશ કરીને વળતર નક્કી કરવામાં આવશે. પરિણામે ૭૬૫ કે.વી. લાઇન માટે અગાઉ ૬૨૫ ચોરસ મીટર પ્રમાણે મળતું વળતર હવે ૭૨૯ ચોરસ મીટરના આધારે ચૂકવાશે.

વળતર ચુકવણીની પદ્ધતિમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ ફાઉન્ડેશન, ઇરેક્શન અને વાયરિંગ એમ ત્રણ તબક્કામાં ચુકવણી થતી હતી, જ્યારે હવે ખેડૂતોને શરૂઆતમાં જ એકસાથે ૧૦૦ ટકા વળતર ચૂકવવામાં આવશે. જમીનની વાસ્તવિક બજાર કિંમત પારદર્શક રીતે નક્કી કરવા માટે રાજ્ય સરકાર ‘માર્કેટ રેટ કમિટી (MRC)’ની રચના કરશે. આ સમિતિમાં જીલ્લા કલેક્ટર, ટ્રાન્સમિશન સર્વિસ પ્રોવાઇડરના પ્રતિનિધિ, અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિ તેમજ અધિકૃત માર્કેટ વેલ્યુઅરને સ્થાન આપવામાં આવશે.

રાઇટ ઓફ વે (Right of Way) કોરિડોર માટે પણ બજાર કિંમતના આધારે વળતર ચૂકવાશે. તેમાં ગ્રામ્ય વિસ્તારમાં બજાર કિંમતના ૩૦ ટકા, નગરપાલિકા વિસ્તારમાં ૪૫ ટકા અને મહાનગરપાલિકા વિસ્તારમાં ૬૦ ટકા વળતર આપવામાં આવશે. રાજ્ય સરકારે વધુમાં સ્પષ્ટ કર્યું છે કે જે ખેડૂતોને અગાઉ જૂની નીતિ મુજબ વળતર મળી ચૂક્યું છે પરંતુ વીજ લાઇનનું કામ હજુ ચાલુ છે, તેઓ પણ નવી નીતિના લાભ માટે પાત્ર ગણાશે. સરકારના આ નિર્ણયને રાજ્યના ખેડૂતો માટે મહત્વપૂર્ણ અને ઐતિહાસિક રાહત તરીકે જોવામાં આવી રહ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!