મોરબીમાં એક મિત્રએ બીજા મિત્ર અંગે દારૂ પીવાની આદત વાળો છે તેવી વાત કરતા જે બાબતનો ખાર રાખી આરોપી યુવકે પોતાના મિત્રને બેલ્ટ વડે માર મારી ઈજા પહોંચાડી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ ભોગ બનનારની ફરિયાદને આધારે એ ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના વીસીપરા વિસ્તારમાં સેન્ટમેરી સ્કૂલ નજીક રહેતા અપુલભાઈ દિનેશભાઈ કાઠીયા ઉવ.૨૮એ એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી અમિતભાઇ જયંતીલાલ વાઘેલા સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, ફરિયાદી અપૂલભાઈના મિત્ર સંજયભાઇ ધોળકીયાની દિકરીની સગાઇ આરોપી અમિત વાઘેલાના ભત્રિજા સાથે કરાવેલ હોય અને આ દરમિયાન અપૂલભાઈએ તેના મિત્ર સંજયને કહ્યું હતું કે, આરોપી અમિત દારૂ પીવાની ટેવ વાળો છે, ત્યારે આ વાત સંજયે આરોપી અમિતને કરતા જે બાબતે આરોપીને સારૂ નહિ લાગતા જેનો ખાર રાખી ફરિયાદી વીસી હાઈસ્કૂલ નજીક ચાલીને જતા હોય ત્યારે આરોપી અમિતે તેઓને ઉભા રાખી ફરીયાદી અપૂલભાઈ સાથે બોલાચાલી કરી ભુંડી ગાળો આપી હતી. જે બાદ વધુ ચર્ચા માટે તેઓ મચ્છુ ડેમ નજીક ગયા ત્યારે આરોપીએ પટ્ટા વડે આડેધડ માર મારી અપૂલભાઈને મુઢ ઈજા કરી હતી. હાલ પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.






