મોરબી: મોરબી શહેરના ભવાની ચોક વિસ્તારમાં સ્કોર્પિયો કારના ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન હંકારી જાહેર રોડ પર મૂકેલી ખુરશીઓ પર કાર ચડાવી નુકસાન પહોંચાડ્યું હતું. ત્યારબાદ અન્ય એક ફોરવ્હીલર કારને પણ ટક્કર મારી નુકસાન પહોંચાડી સ્કોર્પિયો કાર મૂકીને ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
પોલીસ ફરિયાદ મુજબ, તા. 15 ઓક્ટોબર 2026ના રોજ રાત્રે 10થી 10:30 વાગ્યાના સમયગાળા દરમિયાન ભવાની ચોકના જાહેર રોડ પર આ ઘટના બની હતી. કાળા રંગની સ્કોર્પિયો કાર નંબર GJ 36 AR 1547ના ચાલક રોહિતભાઈ રાજેશભાઈ પીરાણી (ઉંમર 19 વર્ષ, રહે. સો-ઓરડી, વરિયા મંદિર પાસે, મોરબી)એ કથિત રીતે પૂરઝડપે અને બેદરકારીપૂર્વક કાર હંકારી હતી.
આ દરમિયાન કાર રસ્તા પર મૂકેલી પ્લાસ્ટિકની ચારથી પાંચ ખુરશીઓ પર ચડી જતાં ખુરશીઓ તૂટી ગઈ હતી, જેના કારણે આશરે રૂ. 500નું નુકસાન થયું હતું. ત્યારબાદ આગળ જતાં અન્ય એક ફોરવ્હીલર કારને પણ ટક્કર મારી નુકસાન પહોંચાડ્યું હતું. ઘટના બાદ ચાલક પોતાની કાર ત્યાં જ મૂકીને નાસી છૂટ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે.
આ મામલે ભવાની ચોક ખાતે રહેતા અને રિક્ષા ચલાવતા 40 વર્ષીય કૈલાશભાઈ રમણિકભાઈ પલાણની ફરિયાદના આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 281, 324(2) તથા મોટર વ્હીકલ એક્ટની કલમ 177, 184 અને 134 હેઠળ ગુનો નોંધ્યો છે.
પોલીસે આરોપી રોહિતભાઈ પીરાણીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 35(3) હેઠળ નોટિસ આપી જરૂરી સમજણ આપ્યા બાદ તા. 16 ઓક્ટોબર 2026ના રોજ રાત્રે 8 વાગ્યે મુક્ત કર્યો હતો. બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






